પોષી પોષી પૂનમડી, અગાસીએ રાંધ્યા અન્ન, ભાઈની બેની જમે કે રમે? : આજે પોષી પૂનમ

- text


પોષી પૂનમે માઁ અંબાનો પ્રાગટ્ય દિવસ : આ પૂનમને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે

મોરબી : હિન્દુ ધર્મમાં દરેક મહિનામાં આવતી પૂનમની તિથિનું ખૂબ મહત્વ છે. પૂર્ણિમાની તિથિ ચંદ્રને પ્રિય હોય છે અને આ દિવસે ચંદ્ર પૂર્ણ કદમાં હોય છે. હિંદુ શાસ્ત્રો અનુસાર, પોષ પૂર્ણિમાના દિવસે સૂર્ય ભગવાનને દાન, સ્નાન અને અર્ઘ્ય અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. પોષ પૂર્ણિમાના દિવસે કાશી, પ્રયાગરાજ અને હરિદ્વારમાં ગંગા સ્નાનનું ઘણું મહત્વ છે. આ વર્ષે પોષ પૂર્ણિમાનું વ્રત આજે તા. 25 જાન્યુઆરીએ છે. આ વ્રત બહેનો પોતાના ભાઈની સુખાકારી અને સમૃદ્ધિ માટે કરે છે.

પોષી પૂનમનું મહત્ત્વ

આ દિવસે શાકંભરી નવરાત્રી સમાપ્ત થાય છે. વૈદિક જ્યોતિષ અને હિન્દુ શાસ્ત્રો સાથે જોડાયેલી માન્યતા અનુસાર પોષ માસને સૂર્ય દેવનો મહિનો માનવામાં આવે છે. કહેવાય છે કે આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવાથી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી જ પોષ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરી અને સૂર્ય દેવની આરાધના કરવાની પરંપરા છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદભૂત સંગમ થાય છે.

પોષી પોષી પૂનમડી

અગાસીએ રાંધ્યા અન્ન;

ભાઈની બેની જમે કે રમે?

પોષી પૂનમ ગુજરાતમાં એક અદકેરું મહત્વ ધરાવે છે, અને એ દિવસે પરીવાર ની દિકરી તેનાં ભાઈ માટે આખો દિવસ ઉપવાસ કરે છે, ભાઈનાં જીવન ની સુખ, તંદુરસ્તી અને મંગલ જીવનની પ્રાર્થના કરે છે. તેમજ સાંજે આકાશમાં ખીલેલા પૂર્ણ ચંદ્રમાં સામે વચમાં કાણું પાડેલાં બાજરી ની નાની ચાનકી કે નાનાં રોટલામાંથી ચંદ્રમાંને આરપાર જોઈ “ચાંદા તારી ચાનકી, અગાશી એ રાંધી ખીચડી… ભાઈની બેન રમે કે જમે? ” એવું બાજુમાં ઉભેલા ભાઈને ૩ વખત પૂછે અને ભાઈ તેમ બોલે કે “જમે” પછી જ બહેન ફરાળ કરવા બેસે . આવી આપણી ગુજરાતી સંસ્કૃતિ છે…

- text

પોષ મહીનાની પૂનમડી અગાશીએ રાંધી ખીર વ્હાલા,

જમશે માની દીકરીને પીરશે બેનીનો વિર વ્હાલા.

માતા અંબાજીના પ્રાગટ્ય દિવસની કથા

અંબાજી માતાનો પ્રાગટય દિવસ એક રહસ્યપૂર્ણ ઘટના સમાન છે. વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો. અનેક જીવોને જીવવું દુષ્કર બની ગયું હતું. માનવ જીવો, પશુ-પંખીઓ ભૂખે ટળવળતાં હતાં. ત્યારે બધાએ હૃદયપૂર્વક માતાજીને આર્તનાદથી વિનવણી કરી અને માતાજીને પ્રસન્ન કર્યાં. માતાજીની કૃપા ઊતરીને જ્યાં દુષ્કાળની ધરતી સૂકી ભઠ્ઠ બની હતી ત્યાં શક્તિની કૃપાથી અઢળક શાકભાજી અને ફળ ઉત્પન્ન થયાં. બસ ત્યારથી માતાજીનું નામ શાકંભરી પડ્યું હતું અને એટલે જ પોષ માસની આ પૂનમને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે પોષી પૂનમને માઁ અંબાના પ્રાગટ્ય દિવસ તરીકે પણ ભક્તો હર્ષોલ્લાસથી ઉજવે છે.

આસો અને ચૈત્રી નવરાત્રિ તો ખરી જ પરંતુ પોષ સુદ પૂનમ અગાઉ અષ્ટમીથી પૂનમ સુધી માતાજીના ઉપાસકો નવરાત્રિ પર્વ તરીકે મનાવી આરાધના કરે છે. આ દિવસો દરમિયાન માતાજીના ભક્તો (શાક્ત ઉપાસકો) માત્ર શાકભાજી સિવાય કંઈ આરોગતા નથી.

- text