મોરબીની 50-60 વર્ષ પહેલાંની ઉત્તરાયણ કેવી હતી ? : વડીલોએ વાગોળ્યા જુના સંસ્મરણો 

પ્લાસ્ટિક-વાંસની કમાનમાંથી જાતે પતંગ બનાવી ગોદડાના દોરાથી તેને ચગાવતા, પેચ પણ લડાવતા પરંતુ ત્યારે પક્ષીઓ કયારેય મર્યા નથી

અત્યારની જેમ અમારા જમાનામાં તૈયાર પતંગ – દોરી મળતા ન હતા, જાતે જ તૈયાર કરેલી પતંગો ચગાવવાની મજા જ કઈક અનેરી હતી

મોરબી : ઉત્તરાયણ એટલે અબાલ વૃદ્ધ એમ સૌ કોઈનો પ્રિય તહેવાર છે. જો કે મોરબીમાં છેલ્લા બે દાયકાથી મેગા સીટી જેવો કાઈટ ફેસ્ટિવલ છવાઈ જાય છે. પણ એક જમાનો એવો પણ હતો કે, તે વખતે આજની જેમ વૈવિધ્યસભર પતંગો અને મજબૂત દોરી મળતી જ ન હતી. આ વાત છે આજથી ચાર-પાંચ દાયકા પહેલાંની. એ સમયે બાળકો, તરુણો અને યુવાનો જાતે જ મોટા પ્લાસ્ટિક કે છાપાના કાગળમાંથી પતંગ આકારનું કટીંગ કરી ગુંદરને બદલે ઘઉંના લોટનો ગુંદર તરીકે ઉપયોગ કરી વાંસની કમાનની પતંગો બનાવી પૂછડું બાંધીને ગોદડા સિવવાની દોરીથી આકાશમાં પતંગો ચગાવતા એ આનંદ કઈક અનેરો હતો. પણ તે સમયે અત્યાર કરતા અનેક ગણાં પક્ષીઓ હોવા છતાં ત્યારે એકેય પક્ષીઓ મર્યા નથી. તેવા વરિષ્ઠ નાગરિકોએ પોતાના બાળપણથી તરુણ વય સુધીના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું.

મોરબીના બગથળા ગામે રહેતા 70 વર્ષીય નિવૃત શિક્ષક અવચરભાઈ બરાસરાએ જણાવ્યું હતું કે, હું જ્યારે 10થી 15 વર્ષનો બાળક હતો. ત્યારે ઉત્તરાયણના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી ગામમાં ઘરેઘરે બાળકો માટે વેંચાતા તલ, મમરાના લાડુ, ચીકી, બોર, ઝીંઝરા, પીપરમેન્ટ, શેરડી લઈને ખાતા પછી આજની જેમ ત્યારે પતંગો કે દોરી વેચાતી મળતી જ ન હોય પતંગ ચગાવવા માટે જાતે જ પતંગ બનાવતા, જેમ કે ન્યુઝપેપરમાંથી પતંગ આકારનું કાગળ કાતરથી કટિંગ કરી ખપાટ કે સાવરણાંની સળીઓની કમાન બનાવી ત્યારે ગુંદર ન હોય ઘઉંના લોટનો ગૂંદર તરીકે ઉપયોગ કરી કાગળની પતંગ બનાવી સાડીમાથી 5-6 ફૂટનો લિરો કાપી એનું પતંગ નીચે પૂછડું બાંધી ગોદડાની દોરીથી પતંગ ચગાવતા અને ગાયોને અન્ન ખવડાવી રાત્રે ખીચડો ખાઈને ઉત્તરાયણની ઉજવણી કરતા હતા.

84 વર્ષીય નિવૃત આચાર્ય ટી.એમ.પંડ્યાએ જણાવ્યું હતું કે, તેમનું નાનપણ મોરબી જિલ્લાના એકમાત્ર બંદર નવલખી પોર્ટમાં જ વીત્યું હતું. એટલે તે સમયે ઉત્તરાયણમાં આડોશી પડોશીઓના છોકરાઓ ભેગા થઈને એકસાથે પતંગો જાતે જ બનાવીને ચગાવતા. ઉપરથી નવલખી પોર્ટ ઉપર દરિયાકાંઠો હોવાથી તેજ પવનને કારણે ખૂબ જ ઊંચે આકાશમાં પતંગો ઊડતી જેથી ખૂબ જ મજા આવતી. ઘરે ઘરે તલ, મમરાના બનાવેલા લાડુ અને ચીકીઓ બનાવીને છોકરાઓને વેંચતા હોય એટલે અમે બધા છોકરાઓ આ સામગ્રી લઈને ખાતા ખાતા પાંતગો ઉડાવતા અને બપોરે મીઠાઈ બનાવેલ હોય એ જમતા અને રાત્રે પણ ખીચડો ખાઈને તે સમયે જે રીતે ભારે પવનથી પતંગો જે રીતે ઊડતી અને એની જે મજા આવતી એવી મજા શહેરમાં આવ્યા પછી ક્યારેય આવી નથી.

71 વર્ષીય હાયર સેકન્ડરી સ્કૂલના નિવૃત શિક્ષક અંબારામભાઈ ચંદ્રાસલા એ બાળપણના પતંગોત્સવના સંસ્મરણો વાગોળતા શૈશવકાળમાં સરી પડ્યા હતા. જેમાં ઉત્તરાયણ એટલે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશને કારણે આપણે બધા એ દિવસને મકરસંક્રાતિ તરીકે ઉજવીએ છીએ. પતંગ ચગાવાની સાથે દાન પુણ્યનું પણ ઘણું જ મહત્વ છે. એટલે લોકો પશુઓને તેમજ જરીયાતમંદોને દાન આપે છે. તેમના બાળપણમાં તે સમયે શહેર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્તરાયણની ઉજવણીનું ખૂબ જ મહત્વ હતું. તે સમયે મનોરંજનના સાધનો જ ન હોવાથી એટલે અમે બધા બાળકો જાતે જ કાગળ અને સળીને કમાન તેમજ નીચે પૂછડું બાંધીને પતંગ બનાવીને જાહેર જગ્યાએ ખુલ્લા મેદાનમાં પતંગો ચગાવવાની મોજ માણતા હતા. તેમજ પૂજાપાઠ તેમજ ભોજન પણ પ્રસંગને અનુરૂપ બનાવીને ઘરના બધા જ સભ્યો સાથે જમીને આ પ્રસંગ માણતા હતા. પણ તે સમયે કાઈપો છે ની કોઈ બુમો પડતી જ નહીં. કારણ કે અમે કોઈ દિવસ એકબીજાની પતંગો કાપતા નહિ. કારણ કે દોરી જ કાચી હતી અને પૂછડાને કારણે આકાશમાં પતંગ પણ સ્થિર રહેતો હતો.

મૂળ બગથળા ગામના વતની અને હાલ મોરબીના મિલેનિયમ હાઇટ્સમાં રહેતા 76 વર્ષીય સુંદરજીભાઈ ઠોરિયાએ કહ્યું હતું કે, અમે નાના હતા ત્યારે ગાયને દાનનુ મહત્વ વધુ હતુ. બાજરો બાફીને ગાયને નાખતા અને અમે પણ ખાતા, વહેલા ઉઠીને ગામમા પીપર ,તલના લાડુ, બોર વેચતા ત્યા જતા અને બધા ભાઈબંધ ભેગા મળી કોને કેટલુ મળ્યું એ ગણતા એ આનંદ જ અલગ હતો ત્યારે મળેલ પીપરને બધુ અઠવાડિયા સુધી ખાતા ઉતરાયણ પહેલા બધા ભાઈબંધ મળીને દોરાની ફીરકી ભરતા સોડા બોટલના કાચ ખાંડી તેનો ભુકો કરી દોરાને પાઈને પાકો કરતા. ચોખાના લોટથી પણ પાકો કરતા અને ઘરે બનાવેલ પતંગ ચગાવી આનંદ કરતા હોવાનું જણાવ્યું હતું.