મોરબીમાં માસુમ બાળકીને અડપલાં કરી મોતને ઘાટ ઉતારનાર નરાધમ પોલીસની હાથવેંતમાં 

- text


કૂતરાઓએ ફાડી ખાધેલી હાલતમાં પાંચ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યા બાદ મોરબી તાલુકા પોલીસની ત્વરિત કાર્યવાહી : નરાધમ આરોપીને ઓળખી કાઢ્યો 

સિરામિક ફેકટરીમાં ટાઇલ્સનું સેમ્પલ લેવાનું કામ કરતા ઢગાએ જ બાળકીને ઉઠાવી જઈ શારીરિક અડપલાં કર્યાનું ખુલ્યું : બાળકીએ દેકારો કરતા હત્યા કરી નાખી

મોરબી : મોરબીમાં છેલ્લા ચારેક દિવસથી લાપતા બનેલ પાંચ વર્ષની માસુમ ફૂલ જેવી કોમળ પરપ્રાંતીય શ્રમિક પરિવારની બાળકીનો મૃતદેહ ગઈકાલે લગધીરપુર રોડ ઉપર બંધ હાલતમાં પડેલી ફેક્ટરી નજીકથી કૂતરાઓએ ફાડી ખાધેલી હાલતમાં મળી આવ્યા બાદ મોરબી તાલુકા પોલીસની જીણવટભરી ત્વરિત તપાસમાં બાળકીના હત્યારાને ઓળખી કાઢવામાં આવ્યો છે અને સીરામીક ફેકટરીમાં ટાઇલ્સનું સેમ્પલ લેવાનું કામ કરતા નરાધમ શખ્સે જ બાળકીને ઉઠાવી જઈ શારીરિક અડપલાં કરતા બાળકીએ દેકારો કરતા નરાધમે ક્રૂરતા પૂર્વક બાળકીને રેહસી નાખી હોવાનું ખુલ્યું છે, હાલમાં આ નરાધમ પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળે છે.

અત્યંત ધૃણાસ્પદ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુંટુ ગામની સીમમાં લખધીરપુર રોડ ઉપર આવેલ ન્યુ રોયલ સીરામીક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાર્ટરમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની ઇકરાન ઇરસાદખાન અબાસીની પાંચ વર્ષની પુત્રી ઝારા છેલ્લા ચારેક દિવસથી લાપતા બન્યા બાદ ગઈકાલે લખધીરપૂર રોડ ઉપર આવેલ બંધ પડેલી સિરામિક ફેક્ટરી નજીકથી માસુમ બાળકી ઝારાનો કૂતરાઓએ ફાડી ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાએ મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં મોકલી આપી સમગ્ર ટીમને હત્યાના આ બનાવ અંગે અંકોડા મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા.

- text

બીજી તરફ માસુમ બાળકીની હત્યાના આ ગંભીર બનાવમાં મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળા સહિતની ટીમને ત્વરિત તપાસમાં મહત્વપૂર્ણ કડીઓ મળી હતી અને તપાસમાં ન્યુ રોયલ ટાઇલ્સ ફેકટરીમાં જ સેમ્પલ લેવાનું કામ કરતા આરોપી રવિભાઇ મનસુખભાઇ મેંદપરા તરફ શંકાની સોઈ તણાઈ હતી અને આરોપી રવિભાઇ મનસુખભાઇ મેંદપરાએ મોતને ભેટેલી ઝારાને કોઈ લાલચ આપી ફેકટરીના ગોડાઉનમાં લઇ ગયો હતો જ્યાં ઝારા સાથે શારીરિક અડપલા કરતા બાળકીએ દેકારો કરતા નિર્દયી નરાધમ રવિભાઇ મનસુખભાઇ મેંદપરાએ ઝારાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

માસુમ બાળકીના અપહરણ બાદ શારીરિક અડપલાં અને ચેનચાળા બાદ ફૂલ કોમળ બાળકીને નિર્દયતા પૂર્વક રહેંસી નાખવાના આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે આરોપી રવિભાઇ મનસુખભાઇ મેંદપરા વિરુદ્ધ આઇપીસી કલમ 302, 354(એ)(1) તથા પોકસો એકટ કલમ- 12, અને 18 મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને નરાધમ આરોપી રવિ પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળે છે.

- text