બોલો કૃષ્ણ કનૈયા લાલકી જય ! મોરબી એસટીને જન્માષ્ટમી ફળી રૂ.51.57 લાખની આવક થઈ

- text


તહેવારોમાં 20 એક્સ્ટ્રા બસો દોડાવાઈ, જન્માષ્ટમીના દસ દિવસમાં નિયમિત કરતા દરરોજ રૂપિયા 1 લાખની આવક વધી

મોરબી : મોરબીમાં જન્માષ્ટમી નિમિતે બહારગામ જવા એસટીમાં ભારે ધસારો થયો હતો. મોટાભાગની એસટી બસો ભરચકક જોવા મળી હતી. રૂટિન કરતા એસટીમાં ટ્રાફિક અનેકઘણો વધ્યો હતો. આથી મોરબી એસટી ડેપોને જન્માષ્ટમીના તહેવારો ફળીભૂત થયા હતા. મોરબીમાં જન્માષ્ટમીના તહેવારોમાં એસટીને રૂ.51.57 લાખની આવક થઈ હતી.

મોરબી એસટી ડેપો મેનજર એ.એન. પઢીયારાએ જણાવ્યું હતું કે, જન્માષ્ટમીના તહેવારોમાં મોરબી એસટીમાં ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને રક્ષાબંધનથી ટ્રાફિક વધવા લાગ્યો હતો. જેમાં શરૂઆતમાં દાહોદ બાજુ ખૂબ જ ટ્રાફિક જોવા મળ્યો હતો. એનું કારણ એ છે કે દાહોદ પંચમહાલ જિલ્લાના ખેતમજૂરો મોટી સંખ્યામાં મોરબી આસપાસ ખેતમજૂરી કરવા આવે છે. આ લોકો મોટા પ્રમાણમાં તહેવારોમાં પોતાના વતન જતા હોય રક્ષાબંધનથી દાહોદ તરફની તમામ બસો પેક થઈ ગઈ હતી. ત્યારબાદ જન્માષ્ટમી નજીક આવતા મોરબીના ઘણા લોકો યાત્રાધામ કે પોતાના મિત્રો તેમજ સગા સ્નેહીજનો સાથે ઉજવણી કરવા જતાં હોય દ્રારકા, અમદાવાદ, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં ભારે ધસારો થયો હતો.

- text

વધુમાં મોરબી એસટી દ્વારા દાહોદ, અમદાવાદ, રાજકોટ સહિતના સ્થળોએ દસ અને બીજા રૂટ ઉપર એસટી વિભાગે 10 મળીને 20 બસો એક્સ્ટ્રા દોડાવી હતી. આમ તો રૂટિન મોરબી એસટીને અંદાજે રૂ.4 લાખની આવક થાય છે. પણ જન્માષ્ટમીના તહેવારોમાં છેલ્લા દસ દિવસમાં એસટીમાં ભીડ એટલી વધી કે રોજની એક લાખથી વધુની વધારાની આવક થઈ હતી અને જન્માષ્ટમીના તહેવારો છેલ્લા દસ દિવસમાં રોજ એવરેજ 5.15 લાખની આવક થતી એ હિસાબે જન્માષ્ટમીના તહેવારોમાં છેલ્લા દસ દિવસમાં મોરબી એસટીને રૂ.51.57 લાખની આવક થઈ છે. જો કે હવે જન્માષ્ટમીના તહેવારો પુરા થવામાં હોય એસટીમાં ભીડ ઓછી થતા આવક પણ ધીરે ધીરે રૂટિન થવા લાગી છે.

- text