હળવદમાં પરિચિત સાથે ઝઘડો કરતા તત્વોને ટપારતા બે યુવાનો ઉપર છરી વડે હુમલો 

- text


મોરબી ચોકડીએ કનૈયા હોટલ પાસે બનેલા બે દિવસ પહેલાના બનાવમાં પોલીસે અંતે ગુન્હો દાખલ કર્યો 

હળવદ : હળવદ શહેરની મોરબી ચોકડીએ કનૈયા હોટલ પાસે ચા પીવા ગયેલા ઘનશ્યામપુર અને હળવદના યુવાન તેમના પરિચિત સાથે ચા પી રહ્યા હતા ત્યારે હળવદના સાત શખ્સો આવી બન્ને મિત્રોના પરિચિત સાથે ઝઘડો કરવા લગતા આ ઝઘડામાં વચ્ચે પડેલા બન્ને યુવાનો ઉપર તૂટી પડી આડેધડ છરીના ઘા ઝીકી સાતેય શખ્સો નાસી જતા આ ચકચારી બનાવમાં અંતે બે દિવસ બાદ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

આ ચર્ચાસ્પદ બનાવ અંગે હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા ઓમદેવસિંહ હરપાલસિંહ ઝાલાએ હળવદ પોલીસ મથકમાં આરોપી (૧) મયુર રાઠોડ (૨) મયુર પરમાર (૩) મોહિત પરમાર (૪) અમન પરમાર (૫) જય પરમાર (૬) અફજલ સંધી અને (૭) કાનો રાવલ રહે. બધા હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ હળવદ રહેતા તેમના મિત્ર હરદેવસિંહ મયુરસિંહ ઝાલા સાથે મોરબી ચોકડીએ કનૈયા હોટલે તેમના પરિચિત એવા મોદી દલવાડી સાથે ચા પીતા હતા ત્યારે આરોપીઓ બનાવ સ્થળે આવ્યા હતા અને મોદી દલવાડી સાથે ઝઘડો કરવા લાગતા ફરિયાદી ઓમદેવસિંહે ઝઘડો નહીં કરવા આરોપીઓને સમજાવવા ગયા હતા.

- text

વધુમાં ઓમદેવસિંહના પરિચિત મોદી દલવાડી સાથેના આ ઝઘડા દરમિયાન આરોપી (૧) મયુર રાઠોડ (૨) મયુર પરમાર (૩) મોહિત પરમાર (૪) અમન પરમાર (૫) જય પરમાર (૬) અફજલ સંધી અને (૭) કાનો રાવલ વિફર્યા હતા અને ઓમદેવસિંહ અને તેમની સાથે રહેલા હરદેવસિંહ સાથે ગાળાગાળી કરી આરોપી મયુર રાઠોડે પોતાના પાસે રહેલી છરી વડે આડેધડ ઘા ઝીકવાનું શરૂ કરી ઓમદેવસિંહ તેમજ હરદેવસિંહને ઉપર છાપરી અનેક ઘા ઝીકી દીધા હતા અને અન્ય આરોપીઓએ બન્ને ભોગ બનનારને પકડી રાખી ધોકા વડે માર માર્યો હતો.

બે દિવસ પહેલા એટલે કે તા.7ના રાત્રીના બનેલી આ ઘટનામાં ઘવાયેલ બન્ને ભોગ બનનારને પ્રથમ હળવદ બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા અને અને આ મારામારીના બનાવમાં ઓમદેવસિંહએ ગળામાં પહેરેલા સોનાના ચેનમાંથી એકાદ તોલા વજનનું સોનાનું પેન્ડલ બનાવ સ્થળે પડી ગયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે, સાથે જ આ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ આરોપી મયુર પરમાર, મોહિત પરમાર, અમન પરમાર, જય પરમાર અને અફજલ સંધીની ધરપકડ કરી છે જયારે આરોપી મયુર રાઠોડ અને કાનો રાવલ હજુ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળે છે.

- text