ચૂંટણીનો ડખ્ખો ! મોરબીમાં કોંગ્રેસ આગેવાન વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ કરતા પૂર્વ મહિલા કાઉન્સિલર

- text


ચૂંટણીનો ખાર રાખી ગાળો આપી જાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ : એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો

મોરબી : ચૂંટણીના જુના ડખ્ખામાં મોરબી નગરપાલિકાના પૂર્વ મહિલા કાઉન્સિલરે કોંગ્રેસ આગેવાન વિરુદ્ધ જાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો આપવાની ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં સબ જેલ સામે આવેલ વાલ્મીકવાસમાં રહેતા ભાનુમતીબેન ઉર્ફે ભાનુબેન ચંદુભાઇ નગવાડીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ વોર્ડ નં.13ના નગરપાલીકાના પૂર્વ કાઉન્સીલર છે. હાલ તેઓ સમાજ સેવા સાથે જોડાયેલ છે. તેઓના વિસ્તાર વાલ્મીકીવાસમાં રહેતા મોરબી નગરપાલીકાના ઝોન-1 ના ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા ભુદરભાઈ રૂડાભાઇ મકવાણા પોતાની સરકારી નોકરીમાંથી નિવૃત થનાર હોય, તેમાં પોતે હાલ મોરબી નાગરીક બેંકના ડીરેક્ટર તરીકે ચાલુ હોય અને રમેશભાઇ રબારી રહે. હાલ હાઉસીંગ શનાળા રોડ મોરબીવાળા જેઓ જૂની ચૂંટણીનો ખાર રાખી તેઓની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઇરાદે હેરાન કરતા હતા.

- text

વધુમાં ફરિયાદમાં જણાવાયું હતું કે, તા.21ના રોજ ભુદરભાઇ તેમના ઘર પાસે ઉભા હતા ત્યારે રમેશભાઇ રબારી ત્યાં આવેલ અને ચુંટણીનો ખાર રાખી ભુદરભાઈ મકવાણાને જેમ તેમ ભુંડી ગાળો આપી હતી. સાથે ભાનુબેનને કહેવા લાગેલ કે હવે તમે હારી ગયેલા કાઉન્સીલર છો, અને ભુદરભાઈને કહેવા લાગેલ કે તેઓનું પેન્શન અટકાવી દઈશ. આ સાથે તેઓએ જાતી પ્રત્યે ગમે તેમ જાહેરમાં બોલી હડધુત કર્યા હતા. પૂર્વ કાઉન્સિલર ભાનુમતીબેનની આ ફરિયાદ ઉપરથી એ ડિવિઝન પોલીસે કોંગ્રેસ આગેવાન રમેશભાઈ રબારી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text