સયુંકત કુટુંબને ટકાવી રાખનાર વડીલોની વંદના સાથે વરિયા પ્રજાપતિ સમાજનો છાત્ર સન્માન સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિની શિક્ષણ સમિતિએ સમાજમાં સયુંકત કુટુંબની પ્રથા જીવંત રાખવા નવતર પહેલ કરી હતી. ત્રણ – ત્રણ પેઢીને એક તાંતણે બાંધીને સયુંકત કુટુંબની પ્રથાને જીવંત રાખતા મુઠી ઉંચેરા સમાજના વડીલોની ભાવવંદનાની થીમ ઉપર વરિયા પ્રજાપતિ જ્ઞાતિની શિક્ષણ સમિતિ દ્વારા સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં પહેલા સયુંકત કુટુંબને જીવંત રાખતા મોભાદાર વડીલોનું સન્માન પછી જ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

દરેક સમાજમાં સયુંકત કુટુંબની પ્રથા તૂટી રહી છે અને જ્યાં જુઓ ત્યાં વિભક્ત કુટુંબ જ વધી રહ્યા છે. ત્યારે ત્રણ – ચાર પેઢી સાથે 20 -25 સભ્યોનો પરિવાર સાથે જીવતો હોય તો ઘર હર્યુંભર્યું લાગે. પણ વિભીક્ત કુટુંબમાં અમે બે અને અમારા બે એમ ચાર જીવ જ રહેતા હોય એમા વડીલોના સારા સંસ્કાર રૂપી આશીર્વાદ હોતા નથી. આથી વિભક્ત કુટુંબથી આખી સમાજ વ્યવસ્થા ભાંગી પડતી હોય મોરબીની વરિયા પ્રજાપતિ જ્ઞાતિએ સયુંકત કુટુંબની પ્રથાને બચાવવા અનોખો સંદેશ આપ્યો છે. જેમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિની શિક્ષણ સમિતિ દ્વારા ત્રણ – ત્રણ પેઢી એક સાથે જીવતી હોય અને આ સયુંકત કુટુંબના તારણહાર વડીલોના સન્માન સાથે સમાજના તેજસ્વી છાત્રોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા સમાજને સયુંકત કુટુંબની પ્રથા જીવંત રાખવા માટે પ્રેરણા મળે તે માટે વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ત્રણ પેઢી એકસાથે રહેતા હોય તેવા કુટુંબના 20 જેટલા મોભી વડીલોનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે- સાથે સમાજના ધો.1થી કોલેજ કક્ષાના 80થી વધુ તેજસ્વી છાત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સમાજના પ્રથમ સીએ ભોરણીયા કુણાલ રાજેશભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.ધો.10 બોર્ડમાં પ્રથમ આવનાર છાત્રોનું વિશિષ્ટ સન્માન તેમજ સમાજમાં રમત ગમત ક્ષેત્રે આગવું યોગદાન આપનાર રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સમાજના આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓની સુદામા સન્માન અંતર્ગત શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વખતે ફી ભરવામાં આવી હતી. અત્યાર સુધી 40 વિદ્યાર્થીઓની ફી ભરવામાં આવી છે. આ વર્ષે પણ સાત વિદ્યાર્થીઓની ફી ભરવમાં આવશે. જ્યારે સમાજમાં બેટી બચાવો અને બેટી પઢાઓના સંદેશ સાથે જુદાજુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

- text

- text