- text
ગ્રામ પંચાયતે અનેક વખતે સબધિત તંત્રના કાન આમળ્યા છતાં કોઈ પગલાં ન લેવાતા ભયજનક રોડની હાલતથી ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ
મોરબી : મોરબી તાલુકાના લખીધીરનગરથી અદેપર ગામ સુધીનો માર્ગ બનાવ્યાને થોડા સમયમાં તૂટી જતા રોડનું કામ એકદમ નબળું થયાની સાથે ભ્રષ્ટાચારની આશંકા જાગી છે. આ રોડનું કામ હલકી કક્ષાનું થયું હોવાથી રોડ તૂટી ગયાની રાવ સાથે ગ્રામ પંચાયતે અનેક વખતે સંબધિત તંત્રના કાન આમળ્યા છતાં કોઈ પગલાં ન લેવાતા ભયજનક રોડની હાલતથી ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે.
મોરબીના અદેપર ગ્રામ પંચાયતે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરી હતી કે, મોરબી તાલુકાના લખીધીરનગરથી અદેપર ગામ સુધીનો માર્ગને બે વર્ષ પહેલાં નવો ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. પણ રોડ લાંબો સમય ટક્યો નહોતો, નવો રોડ બન્યાના આઠ-દસ માસમાં જ તૂટી ગયો હતો. આ રોડ ગેરંટી પિરિયડમાં તૂટી જવા છતાં રોડ બનાવનાર જવાબદાર કોન્ટ્રાકટ એજન્સી ધ્યાન આપતી નથી. રોડ ટૂંકાગાળામાં તૂટી જવો તેનો સુધો મતબલ એ થાય છે કે રોડનું કામ અતિશય નબળું થયું છે અને રોડના કામમાં લોટ પાણી અને લાકડા જેવી હલકી કક્ષાની કામગીરી થઈ છે. રોડ થોડા સમયમાં તૂટી જવાથી રોડના કામમાં મોટાપાયે ભષ્ટાચાર થયો હોવાની આશંકા જાગી છે. જો કે આ રોડના નબળા કામ બાબતે જવાબદાર કોન્ટ્રાકટર એજન્સીનું અનેક વખત ધ્યાન દોરવા છતાં યોગ્ય કાર્યવાહી કરતી નથી.
- text
વધુમાં જણાવ્યું હતું કે, રોડનું કામ નબળું થયું હોય રોડ તૂટી જતા રોડની હાલત એટલી ભયજનક બની છે કે ગમે ત્યારે અકસ્માત થાય એમ છે. આ રોડ ઉપરથી પસાર થવામાં અકસ્માતનું જોખમ રહ્યું છે. જો કે આ ડામર રોડ એટલો ભયજનક બની ગયો હોય અત્યારે પણ ખતરનાક લાગે છે. ત્યારે હજુ આખું ચોમાસુ બાકી છે અને વરસાદમાં આ રોડ વધુ ધોવાઈ જશે તેથી રોડની કેવી કપરી હાલત થશે તેના વિચાર માત્રથી ધ્રુજી ઉઠાય છે. તેથી ગ્રામ પંચાયતે ડીડીઓને રજુઆત કરી આ રોડની હાલત વિશે તાકીદે ગંભીરતાથી પગલાં લેવાની માંગ કરી છે.
- text