મોરબીમાં કાલે બુધવારે હર્ષોલ્લાસભેર ઉજવાશે રંગોત્સવ, 600 પોલીસ રેહશે ખડેપગે

- text


ધુળેટીની જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધનો અમલ કરવા પોલીસ મેદાને, અબાલ વૃદ્ધ સહિત સૌ આત્મીયતાના રંગે રંગાશે 

મોરબી : મોરબીમાં આસુરી શક્તિના વિજય રૂપે ગઈકાલે ઠેરઠેર હોલિકાનું દહન કરવામાં આવ્યું હતું અને લોકોએ હોલિકા માતાની પ્રદીક્ષણા કરીને દુર્ગુણોની આહુતિ આપી હતી. જ્યારે આજે તિથિ પ્રમાણે પડતર દિવસ હોય આવતીકાલે બુધવારે રંગોત્સવની નિર્દોષ મસ્તી ધમાલ સાથે રંગારંગ ઉજવણી કરવામાં આવશે અને અબાલ વૃદ્ધ સહિત સૌ કોઈ આત્મીયતાના રંગે રંગાશે. જ્યારે જાહેરમાં કલર ઉડાડવાના પ્રતિબંધનો કડક અમલ કરવા પોલીસ મેદાને આવી છે. જાહેરમાં કલરો ઉડાડીને છાકટા બનતા આવરાતત્વો સામે કાર્યવાહી કરવા પોલીસે ખાસ આયોજન કરીને સઘન પટ્રોલીગ કરશે.

મોરબીમાં ગઈકાલે હોળીની ભારે આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દરેક વિસ્તારના મુખ્ય ચોકમાં શ્રધ્ધાભેર હોળીને પ્રગટાવવામાં આવી હતી. લોકોએ ખજૂર, ધાણી, દાળિયા અને ટોપરું, નાળિયેર સહિતની વસ્તુઓનું હોલિકામાં દહન કરીને પોતાની ભીતરમાં રહેલી દુર્ગુણોરૂપી આસુરી શક્તિનું દહન કરવાની અને પરિવારના મંગલમય કલ્યાણની પ્રાર્થના કરી હતી. હોળીની છેલ્લી ઘડીએ બજારમાં ખજૂર સહિતની વસ્તુઓ તેમજ રંગોત્સવ માટે સ્વદેશી વિવિધ જાતની પિચકારીઓ અને હર્બલ કલરની ભારે ખરીદી કરી હતી. લોકોએ મોંઘવારીના ડામને વિસરી જઈને હોળીની ઉજવણી કરી હતી. જ્યારે આવતીકાલે બુધવારે રંગોત્સવ છે.ત્યારે આજે પડતર દિવસે બજારોમાં કુદરતી કલરોની છેલ્લી ઘડીએ ભારે ખરીદી થઈ હતી અને લોકોએ તેમજ બાળકોએ અવનવી પિચકારીઓ તેમજ કુદરતી કલરો ખરીદીને ધુળેટી રમવા સજ્જ બન્યા છે.

- text

આવતીકાલે ધુળેટીએ શેરીએ ગલીએ વિવિધ રંગોની બોછાર ઉડશે. નાનાથી માંડીને મોટેરાઓ પોતાના પરિવાર, સ્નેહીજનો, સગા અને મિત્રો સાથે મનભરીને રંગોત્સવ મનાવશે. ધુળેટી પર્વને લઈને કલેકટર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જાહેરમાં કલર ઉડાવવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. ખાસ કરીને ધુળેટીમાં રંગ ઉડાડવાના બહાને આવારા તત્વો છાકટા બનતા હોય છે અને જાહેર માર્ગો પર આવતા જતા લોકોને ધૂમ બાઇક ઉપર આ શખ્સો કલર ઉડાડીને પજવણી કરતા હોય, તેમની સામે કડક કાર્યવાહી કરવા સમગ્ર જિલ્લા પોલીસ સજ્જ બની છે. જેમાં મોરબી શહેર તથા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને સતત જાહેર માર્ગો પર પેટ્રોલીંગ કરશે અને ધુળેટીના તહેવારોમાં કલરો પરાણે ઉડાડીને પજવતા આવારા તત્વો સામે કડક કાર્યવાહી કરશે. જેમાં મોરબી જિલ્લામાં એક ડીવાયએસપી, 8 પીઆઇ, પીએસઆઇ તેમજ પોલીસ કર્મચારીઓ મળી 600 જેટલો સ્ટાફ ધુળેટીના દિવસે ખડેપગે રહેશે.

- text