હળવદ પંથકમાં લોખંડના સળિયા ચોરીનું કારસ્તાન ઝડપી લેતી એસઓજી પોલીસે

- text


લાંબા સમયથી માળીયા – હળવદ – અમદાવાદ હાઇવે ઉપર ચાલતું કૌભાંડ : કચ્છથી આવતા લોખંડ ભરેલા ટ્રક મામુલી ભાવે ખીલાસરી વેચે છે

હળવદ : હળવદ અને માળીયા પંથકમાં કચ્છથી લોખંડના સળિયા ભરીને આવતા ટ્રક ચાલકો મામુલી ભાવે લોખંડની ખિલાસરી વેંચતા હોય લાંબા સમયથી લોખંડ ચોરીનો ગોરખધંધો ચાલી રહ્યો છે ત્યારે આજે મોરબી એસઓજી પોલીસ ટીમે અણીયારી ચોકડી નજીકથી શંકાસ્પદ 2 ટન લોખંડ લઈને પસાર થતા એક ટ્રેક્ટરને ઝડપી લઈ ટ્રેકટર ચાલકની પૂછપરછ શરૂ કરતા લોખંડ ચોર ગેંગમાં ફફડાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં અણીયારી ચોકડી નજીકથી શંકાસ્પદ લોખંડના બે ટનથી વધુ વજનના સળીયા સાથે ટ્રેકટર ચાલક ભાનુભાઇ દેવદાનભાઇ ડાંગર રહે. મયુરનગર તા.હળવદ જી.મોરબીવાળાને ઝડપી લીધો હતો.

વધુમાં પોલીસે સળીયા બાબતે તેમજ ટ્રેકટરના કાગળો બાબતે પુછતા કોઇ ટ્રેકટરના આધાર પુરાવા ન હોવાની સાથે ટ્રેક્ટરમાં ભરેલ નવા સળીયાના બીલ ન હોય જેથી ટ્રેકટર તથા ટ્રોલી કિમત રૂપિયા બે લાખ તથા બીલ વગરના લોખંડના સળીયા વજન 2230 કિલોગ્રામ કિમત રૂપીયા 1,11,500 મળી કુલ રૂપીયા 3,11,500નો મુદ્દામાલનો શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરી આરોપી વિરુદ્ધ સી.આર.પી.સી.કલમ મુજબ ધોરણસરની કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

- text

ઉલ્લેખનીય છે કે માળીયા અમદાવાદ હાઇવે ઉપર આવેલી અનેક હોટલમાં આવી ગેરકાયદે પ્રવૃત્તિ કરવામાં આવે છે અને અનેક ઈસમો આવા ગોરખધંધામાં સામેલ થઈ બજારમાં સસ્તાભાવે આવુ ચોરાઉ લોખંડ વેચી રહયા છે ત્યારે મોરબી એસઓજી દ્વારા આધાર પુરાવા વગર નવું નક્કોર લોખંડ ભરેલું ટ્રેકટર ઝડપી લેતા લોખંડચોરી કરતા તત્વોમાં ફફડાટ મચી ગયો હોવાનું જાણવા મળે છે.

આ સફળ કામગીરી ઇન્ચાર્જ એસઓજી પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડ્યા, પીએસઆઇ કે.આર.કેસરીયા,પીએસઆઇ એમ.એસ.અંસારી, એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા, પોલીસ હેડ કોન્સટેબલ રસીકકુમાર કડીવાર, સબળસિંહ સોલંકી, મુકેશભાઇ જોગરાજીયા, મહાવિરસિંહ પરમાર, શેખાભાઇ મોરી, જુવાનસિંહ રાણા, પોલીસ કોન્સ્ટેબલ સતિષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા, આશીફભાઇ રાઉમા, કમલેશભાઇ ખાંભલીયા, અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઇ લોખિલ વગેરે દ્વારા કરવામાં આવી હતી.

- text