ખાખરાળા ગામે એનએસએસ યુનિટ શિબિરના ચોથા દિવસે પ્રભાતફેરી અને વ્યાયામ પરેડ યોજાઈ

- text


સગર્ભાઓને ‘બાળ ઉછેર બે હાથમાં’ પુસ્તકનું વિતરણ કરાયું

મોરબી: મોરબી તાલુકાના ખાખરાળા ગામે આર્ટ્સ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા પ્રોગ્રામ ઓફિસર ડૉ. આર. કે. વારોતરીયાના નેતૃત્વ હેઠળ સાત દિવસની શિબિર ચાલી રહી છે. શિબિરના ચોથા દિવસે 17 ફેબ્રુઆરીના રોજ સવારની નિયમિત પ્રવૃત્તિ પ્રભાત ફેરી અને વ્યાયામ-પરેડ બાદ એનએસએસની સ્વયંસેવિકા બહેનો દ્વારા ખાખરાળા ગામના સગર્ભા બહેનોને ડો. સતીશભાઈ પટેલ લિખિત ખૂબ જ ઉપયોગી પુસ્તક ‘બાળ ઉછેર બે હાથમાં’ વિતરિત કરવામાં આવ્યું હતું. જેનો આર્થિક સહયોગ ગોપાલભાઈ ચારોલા દ્વારા કરાયો હતો.

ત્યારબાદ બપોર પહેલાના પ્રથમ સેશનમાં રોડ સલામતી વિષય પર મોરબીના એઆરટીઓ, આર. પી. પ્રજાપતિ તથા મોટર વાહન નિરીક્ષક, આર. એ. જાડેજા અને મોરબી ટ્રાફિકના પીઆઈ પી. ડી. સોલંકી તથા પીએસઆઇ ડી. બી. ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વાહન ચલાવવામાં બેદરકારી અને નિયમ પાલનમાં જોવા મળતી ઉદાસીનતા અકસ્માતમાં વિશેષ જવાબદાર બને છે તેવું જણાવ્યું હતું. વાહન ચલાવવામાં એક ચૂક મૃત્યુનું કારણ બને છે તો સામા પક્ષે એક પણ ચૂક વગર વાહન ચલાવનાર મૃત્યુમાંથી બચી શકે છે. ખાસ કરીને તેમણે યુવાનોને નિયમ પાલનને અનુસરવા એ અકસ્માતને મર્યાદિત સંખ્યામાં રાખવા માટેનો વિશેષ ઉપાય છે તેવું સૂચવ્યું હતું.

બપોર પછીના બીજા સેશનમાં ખ્યાતનામ ગઝલકાર કાયમઅલી હજારીએ પોતાની ખૂબ પ્રચલિત રચનાઓ રજૂ કરી હતી. કવિ કાયમ હજારીએ સ્વયંસેવકોને તથા ઉપસ્થિત સૌને પોતાની અસરકારક રચનાઓ દ્વારા કવિતાનો રસાસ્વાદ કરાવ્યો હતો. રાજ્ય સ્તરે જેમનું નામ છે તેવા કવિએ યુવાનોને હળવા ફૂલ કરી દીધા હતા. બીજા સેશન બાદ સમગ્ર ગામમાં આરોગ્ય અને સ્વચ્છતા જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી.

ઉપરાંત મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા અપાયેલા માર્ગ સલામતીના ચોપાનિયા સમગ્ર ગામમાં વિતરિત કરવામાં આવ્યા હતા. સાંજના ભાગમાં સૌએ સાથે મળીને ભોજન બનાવ્યું હતું અને સાથે જ જમણવાર માણ્યો હતો.

પાંચમા દિવસે ૧૮ ફેબ્રુઆરીના રોજ પ્રભાતફેરી અને વ્યાયામ બાદ સ્વચ્છતા માટે સફાઈ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. જેમાં શાળા તથા મંદિરની આસપાસના વિસ્તારને આવરી લેવામાં આવ્યા હતા. પ્લાસ્ટિક કચરો અને ઘન કચરો એકત્ર કરી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે 10-30 વાગ્યે ગામના બાળકોને શાળાએ એકત્ર કરી સ્વયંસેવકોના નેતૃત્વ હેઠળ જુદા જુદા ગ્રુપોમાં સંગીત ખુરશી, દોડ, ત્રિપદી દોડ તથા ‘કેટલા રે કેટલા’ રમતોની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનારને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમનો કોઈપણ રમતમાં ક્રમ ના આવેલ હોય તેમને પણ શુભેચ્છા ઇનામ સ્વરૂપે બોલપેન આપવામાં આવી હતી.

બપોર બાદના ટૂકા સેશનમાં પ્રોગ્રામ ઓફિસર દ્વારા વ્યક્તિત્વ વિકાસલક્ષી વાતો કરવામાં આવી હતી. બાદમાં સામૂહિક ગીતસંગીત માણવામાં આવ્યા હતા. મહાશિવરાત્રીના પાવન પર્વે નજીકમાં આવેલા શિવ મંદિરે સ્વયંસેવકો દ્વારા રાત્રે ધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

- text

- text