રાત્રીસભામાં લોકોને કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતા કલેકટર 

- text


વનાળીયા ગામે મોરબી પ્રાંત અધિકારી અને તાલુકા મામલતદાર દ્વારા લોકપ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ  

મોરબી : લોકશાહીમાં પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે રાત્રીસભાની જોગવાઈ છે જેમાં અધિકારી દ્વારા જનતાના પ્રશ્નો જાણી ઉકેલ લાવવામાં આવે છે ત્યારે સરકારના સુશાસન કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લા કલેકટર દ્વારા મોરબી તાલુકાના વનાળીયા ગામે આવા જ ઉમદા ઉદેશ્ય સાથે રાત્રીસભાનું આયોજનકરી લોકપ્રશ્નોને સાંભળી ગ્રામ્ય પ્રજાને પડતી મુશ્કેલી નિવારવા લોકોને ખાતરી આપવામાં આવી હતી.

ગુજરાત સરકાર દ્વારા સુશાસન લાવવાના નિર્ધારણ કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે મોરબી તાલુકાના વનાળીયા ગામે રાત્રીસભાનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમની શરૂઆતમા હાજર રહેલ જિલ્લા કક્ષાના અલગ-અલગ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા તેમના વિભાગને લગત અલગ અલગ કલ્યાણકારી યોજનાઓથી ગ્રામ જનોને માહિતગાર કરવામાં આવેલ હતા ઉપરાંત રાત્રી સભામા ગ્રામજનોના પ્રશ્નો સાંભળી, મોટાભાગના પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ લાવવામાં આવેલ હતો. આ તકે સ્થાનિક લોક સુખાકારી બાબતોને લગત કામોના અંદાજો બનાવી જિલ્લા કલેક્ટર દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી રકમ ફાળવવાની તૈયારી દર્શાવી હતી.

આ ઉપરાંતના અન્ય રજુ થયેલ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તે બાબતે જે તે વિભાગના હાજર જિલ્લા કક્ષાના અધિકારીઓને જિલ્લા કલેક્ટર જી. ટી. પંડયા દ્વારા સૂચના આપી હતી. રાત્રી સભામાં મામલતદાર મોરબી નિખીલ મહેતા દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી ગ્રામજનોને આપી, લોકો સુધી સરળતાથી સરકારી યોજનાનો લાભ પહોંચાડી શકાય તેવાં પ્રયાસો હાથ ધરવામાં આવેલ. તેમજ પ્રાંત અધિકારી મોરબી ડી. એ. ઝાલાએ લોકોને સરકારી સેવા મેળવવાના અધિકારોથી માહિતગાર કરેલ હતા. જિલ્લા કલેક્ટર મોરબીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર મોરબીની કામગીરીથી લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. રાત્રીસભામાં કલેક્ટર મોરબી, પ્રાંત અધિકારી મોરબી, મામલતદાર મોરબી ઉપરાંત અન્ય વિભાગના જીલ્લા કક્ષાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

- text

- text