- text
મોરબી: રાષ્ટ્રીય પ્રાથમિક શાળા (RPS) મોરબીમાં આજથી પચાસ વર્ષ પહેલાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો બીજો ગેટ-ટુ-ગેધર કાર્યક્રમ ત્રિ-મંદિરે યોજાયો હતો. અર્ધી સદીની યાત્રા પસાર કરી લંડન સ્થિત ગીતા રાઠોડને આ વિચાર આવ્યો અને વાનપ્રસ્થમાં પ્રવેશ કરવા જઈ રહેલા સહાધ્યાયી ભાઈ-બહેનોએ ગત વર્ષે સ્નેહ મિલન યોજ્યું હતું. એ સમયે સ્કૂલ વિષયક બાળપણનાં સ્મરણો વાગોળ્યા હતા. ત્યારે આ વર્ષે ફરીથી મળીએ એવું વિચારીને બીજો ગેટ-ટુ-ગેધર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
RPS સ્કૂલમાં ભણીને ઘણા વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ઘડતર કર્યું છે અને લંડન, અમદાવાદ, મોરબી, રાજકોટ, વડોદરા વગેરે સ્થળોએ વસવાટ કરી રહ્યા છે. સ્નેહ મિલનમાં આવા ત્રીસેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. સ્કૂલનું આદર્શ વાતાવરણ, શિક્ષકની શિસ્તપ્રિયતા, કેમ્પસની ધીગા મસ્તી વગેરે સ્મરણો વાગોળ્યા હતા. કોઈએ ટીખળ કરી, કોઈએ સામાજિક, પારિવારિક, ધાર્મિક, બદલાયેલા સમયની તાસીર અને સંતાનોની વર્તમાન ગતિવિધિની ચર્ચાઓ કરી હતી.
ઉપસ્થિત સદસ્યોમાં જગદીશ પ્રેસવાળા જગદીશ અમૃતિયા, ઉદ્યોગપતિ નરેશ પટેલ, હિતેશ ભટ્ટ, રમેશ વરસડા, દિનેશ ઉઘરેજા, ઉદ્યોગપતિ અને એકાઉન્ટન્ટ હેમંત મહેતા અને નગરપાલિકા સાથે જોડાયેલ દિપકસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત ફેશન ડિઝાઈનર માલા મહેતા, સમાજ સેવક સુશીલ કાનાબાર, શિક્ષણ સાથે સંકળાયેલા જયસુખ કૈલા, વેપાર-વ્યવસાય સાથે જોડાયેલ શૈલેષ ભાટિયા,અનિરુદ્ધસિંહ જાડેજા, દિનેશ કોટેચા, પિયુષ મકવાણા, ગીરીશ હીરાણી, હસમુખ દેત્રોજા, મધૂસૂદન કુબાવત વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
- text
જોગાનુજોગ વિદ્યાર્થિની સારંગાબેનના પતિ ડો. ભાવેશ જેતપરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રસિક કાવ્યમય શેરીમાં વકતવ્ય રજૂ કર્યુ હતું. એક દિવસનું સ્નેહ મિલન, સમૂહ ભોજનનો આનંદ કાયમી સંભારણું બની રહેશે એવો એહસાસ તમામે અનુભવ્યો હતો.
સ્નેહ મિલન કાર્યક્રમને સફળ બનાવવા માટે અનિરુદ્ધસિંહ જાડેજા, સુશીલ કાનાબાર, વિનોદ ગણાત્રા વગેરેએ જહેમત ઉઠાવી હતી.
આવનાર દિવસોમાં ફરી સ્નેહ મિલન યોજવાના આયોજનની વિચારણા કરવામાં આવી હતી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટે શુશીલ કાનાબાર (9879399954) અથવા વિનોદ ગણાત્રા (9428267044)નો સંપર્ક કરવા જણાવાયું છે.
- text