મોરબીની બહેનોએ બનાવી ગાયના ગોબરમાંથી ઇકો ફ્રેન્ડલી રાખડી 

- text


મોરબીના ગાયત્રી ચેતના કેન્દ્રની સગર્ભાઓએ બનાવેલી રાખડી જ્યાં પધરાવશો ત્યાં તુલસીનો છોડ ઉગશે 

મોરબી: રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે બજારમાં બહેનો પોતાના ભાઇ માટે રાખડીની ખરીદી કરી રહી છે. ત્યારે મોરબીના ગાયત્રી ચેતના કેન્દ્રની સગર્ભાબહેનો દ્વારા ગાયના ગોબરમાંથી અનોખી રાખડીઓ બનાવવામાં આવી રહી છે. આ રાખડીની ખાસિયત એ છે કે, રાખડીને જ્યાં પધરાવશો ત્યાં તુલસીનો છોડ ઊગી નીકળશે એટલે કે સંપૂર્ણપણે ઇકોફ્રેન્ડલી રાખડી બનાવવામાં આવી રહી છે.

મોરબીના શનાળા રોડ પર આવેલા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. અહીંયા સગર્ભા બહેનો નિયમિત પ્રશિક્ષણ મેળવી રહી છે. ત્યારે કેન્દ્રમાં પ્રશિક્ષણ મેળવતી સગર્ભા બહેનો દ્વારા રક્ષાબંધનને ધ્યાને લઈ ગાયના ગોબરમાંથી અનોખી કલાત્મક રંગબેરંગી રાખડીઓ બનાવવામાં આવી રહી છે.

મોરબી અપડેટ સાથે વાત કરતા આ બહેનોએ જણાવ્યું કે, આ રાખડી સંપૂર્ણપણે ગાયના ગોબરમાંથી બનાવવામાં આવી રહી છે જેથી લોકો ગાયનું મહત્વ સમજી શકે. રાખડીમાં કોઈપણ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં નથી આવતો અને ગોબરની અંદર તુલસીના માંજર મુકી દેવામાં આવ્યા છે. જેથી આ રાખડી જ્યારે પણ કાઢીને કોઈપણ જગ્યાએ પધરાવવામાં આવશે તો તેમાંથી તુલસીનો છોડ ઊગી નીકળશે. તેથી આ રાખડી બનાવવામાં સંપૂર્ણપણે પર્યાવરણનું જતન થાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. હાલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે 25 જેટલી સગર્ભા બહેનો દ્વારા આ પ્રકારની સુંદર મજાની રાખડીઓ બનાવવામાં આવી રહી છે.

- text

- text