- text
તાલુકા પોલીસે દરોડો પાડ્યો :એક શખ્સ નાસી છૂટ્યો, એક ભાગીદારનું નામ પણ ખુલ્યું : બન્નેની શોધખોળ
મોરબી : મોરબીના સાદુળકા ગામે ગેસના ટેન્કરમાંથી ગેસના સિલીન્ડરો ભરી ચલાવવામાં આવતા ગેસ કટીંગના કૌભાંડ ઉપર તાલુકા પોલીસે દરોડો પાડીને 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો અને કૌભાંડના ભાગીદાર એવા શખ્સનું નામ પણ ખુલ્યું છે. વધુમાં પોલીસે ૨૯.૮૫ લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમમાં ગુરૂકુળ તરફ જવાના રસ્તે એ.બી.સી. મિનરલ્સ પાછળ ખુલ્લી જગ્યામાં દિપકભાઇ પ્રભાતભાઇ બોરીચા રહે. નાગડાવાસ તથા રમણીકભાઇ ઉર્ફે દિનેશભાઇ ગોવિંદભાઇ ચાવડા રહે. નાની બરારવાળાઓ ગેસના ટેન્કરમાંથી ગેસના સિલીન્ડરો ભરી ગેસનુ કટીંગ કરતા હોવાની હકીકત મળતા હોવાની બાતમી મળતા તાલુકા પોલીસે રેઇડ કરી હતી.
આ વેળાએ ટેન્કર ચાલક તથા અન્ય બે ઇસમો ટેન્કર નં. GJ-12-AW-0060માંથી રબ્બરની બંને બાજુ વાલ્વ વાળી પાઇપ મારફતે ગેસના સિલીન્ડરો ભરતા મળી આવ્યા હતા. પોલીસે ટેન્કર ચાલક ગુડ્ડ હુબલાલ નિશાદ ઉ.વ.૪૦, ધંધો-ડ્રાઇવિંગ, રહે. શાંતાદંમલ, નીમતાલા, આસનસોલ, જી.પચ્છીમ વર્ધમાન, પશ્ચિમ બંગાળ, દિપકભાઇ પ્રભાતભાઇ બોરીચા ઉ.વ.૩૧, ધંધો-હોટલ, રહે. નેહરૂનગર, આહિરચોક, રાજકોટ શહેર, મુળ રહે. નાગડાવાસ, તા.જી.મોરબીવાળાને પકડી પાડ્યા હતા. જ્યારે મજૂર વિપુલ મિયાત્રા રહે. નાગડાવાસ, તા.જી.મોરબીવાળો નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં રમણીકભાઇ ઉર્ફે દિનેશભાઇ ગોવિંદભાઇ ચાવડા ઉ.વ.૪૯, ધંધો-હોટલ, રહે. નેહરૂનગર, આહિરચોક, રાજકોટ શહેર, મુળ રહે. નાની બરાર, તા.માળીયાવાળાનું નામ ખુલ્યું છે.
પોલીસે GJ-12-AW-0060 નંબરનું ટેન્કર કિં.રૂ.૧૫,૦૦,૦૦૦/- જેમાં આશરે ૧૬.૫૬૦ મેટ્રિક ટન કોર્મશીયલ પ્રોપેન ગેસ જેની કિં.રૂ.૧૧,૦૫,૭૯૪/- મળી કુલ રૂ.૨૬,૦૫,૭૯૪/- નો મુદ્દામાલ ગીચ વિસ્તારમાં રાખવો હિતાવહ ન હોવાથી મુળ માલીકને સોંપવા તજવીજ કરેલ છે. આ ઉપરાંત ગેસના સિલીન્ડર નંગ-૩૬ કિં.રૂ.૭૨,૦૦૦/-, મહિન્દ્રા કંપનીની બોલેરો કાર રજી.નં. GJ-3-BW-1328 કિં.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કૂલ રૂ.૨૯,૮૫,૨૯૪/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર વિરલ પટેલ, પો.સ.ઇ. વી.જી.જેઠવા, પોલીસ હેડ કોન્સ. મનિષભાઇ બારૈયા, પોલીસ કોન્સ. જીતેનદાન ગઢવી, રમેશભાઇ મુંધવા તથા કેતનભાઇ અજાણા સહિતના રોકાયેલ હતા.
- text
- text