મોટાભેલા-જસાપર વચ્ચે બની રહેલા રોડના કામમાં તંત્રની બેધારી નીતિ 

- text


રોડ નિયમ પ્રમાણે બંને ગામના સીમાડે સરખો પહોળો કરવા સ્થાનિકની રજૂઆત 

મોરબી: મોટાભેલા અને જસાપર ગામ વચ્ચે હાલ નવા રોડનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આ કામમાં સરકારી નીતિ નિયમ મુજબ બંને ગામના સીમાડે રોડ સરખો પહોળો કરવા બાબતે મોટાભેલા ગામના છગનભાઈ સરડવાએ નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે.

લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, મોટાભેલા અને જસાપર ગામ વચ્ચે બનેલા નવા રોડનું હાલ માટી કામ ચાલુ કરીને પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમાં મોટાભેલા ગામની ખેડૂતોની જમીનના સીમાડામાં આશરે ૩૫ થી ૪૦ ફૂટ સુધી રોડ પોહળો કરેલ છે, જ્યારે જસાપર ગામના ખેડૂતોની જમીનના સીમાડામાં આ માટી કામના રોડની પહોળાઈ ફક્ત ૨૦થી ૨૫ ફૂટ સુધીની જ કરવામાં આવી છે. જેથી મોટાભેલાના જમીન સીમાડે જેટલો રોડ પહોળો કરવામાં આવ્યો છે તેટલો જ રોડ જસાપરની જમીનના સીમાડામાં કરવામાં આવે તો જ આ રોડનું કામ વ્યવસ્થિત અને સારું થઈ શકશે. અને ડામર રોડનું કામ પણ સરકારી નિયમ મુજબ થઈ શકશે અને તો જ આ વિસ્તારના લોકો આ રોડનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકશે.

- text

છગનભાઈ સરડવાએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલમાં જે રોડ થયો છે તેમાં એક ગામના ખેડૂતોને ખોળ અને બીજા ગામના ખેડૂતોને ગોળ આપવાની નીતિ છે તે યોગ્ય નથી. જેથી અમારા ગામના લોકોની માગણી છે કે આ રોડનું કામ કાજ સરકારી નીતિ નિયમ મુજબ થવું જોઈએ.

- text