નવો બ્રિજ બનાવવા માટે મચ્છુ-3 ડેમ ખાલી કરવાનું શરૂ

- text


મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલાયો, ભરઉનાળે નદી બે કાંઠે વહેવા લાગી

મોરબી : મોરબી બાયપાસ જૂની આરટીઓ કચેરી પાસેનો પુલ ઘણા સમયથી જર્જરિત હોવાથી સરકારની મંજૂરી મળતા નવો પુલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તે માટે અવરોધરૂપ અહીંયા આવેલા મચ્છુ-3 ડેમને ખાલી કરવો જરૂરી હોવાથી આ અંગે પણ સરકારની મંજૂરી મળ્યા બાદ નીચાણવાળા ગામોને એલર્ટ કરીને આજથી મચ્છુ -3 ડેમ ખાલી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આજે પ્રથમ દિવસે આ ડેમનો એક જ દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે.

- text

મચ્છુ-3 ડેમમાંથી આજે પ્રથમ દિવસે 332 ક્યુસેક પાણી છોડી દેવામાં આવ્યું છે. જેના કારણે મચ્છુ નદી ભર ઉનાળે બે કાંઠે વહી હતી. આ અંગે ડેમના અધિકારી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, ડેમના દરવાજા ખોલતા પહેલા હેઠવાસના મોરબીના 16 અને માળીયાના 8 મળીને 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.પહેલા 24 તારીખે ડેમ ખાલી કરવાનું શરૂ કરવાનું નક્કી કરાયું હતું. પણ માળીયામાં નદી નજીક રેલવે બ્રિજ બનતો હોય એ લોકોએ બે દિવસનો ટાઈમ માંગ્યો હતો. તેમજ માળીયાના નદી કાંઠાના ગામો અને અગરિયાઓને કોઈ જાતની નુકશાની ન થાય એ માટે સ્થાનિકો સાથે ચર્ચા કરી આ ડેમના પાંચ ગેઇટને બદલે આજે એકજ ગેઇટ ખોલાયો છે. જો માળીયા તરફ આજે નુકશાનીના કોઈ વાવડ નહિ આવે તો વધુ ગેઇટ ખોલાશે.આ ડેમ 80 ટકા જેટલો ભરેલો હતો. ગયા વર્ષે પણ પુલનું કામ કરવાનું આયોજન હતું. પણ ચોમાસુ નજીક હોય પિરિયડ ઓછો હોવાને કારણે ત્યારે મોકૂફ રખાયું હતું. હવે વહેલા મજૂરી લઈને ત્રણ મહિનામાં પુલનું કામ થઈ જવાનું હોવાથી આ વખતે ડેમ ખાલી કરવામાં આવ્યો છે અને વધુમાં વધુ ડેમ ચાર દિવસમાં ખાલી થઈ જશે.

- text