૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇન સેવાના સફળતાપૂર્વક ૭ વર્ષ પૂર્ણ

- text


અનેક મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા અભયમ્ હેલ્પલાઇન સંજીવની સાબિત થઇ

૭ વર્ષમાં હેલ્પલાઈન દ્વારા જિલ્લામાં હજારો મહિલાઓને સલાહ-સુચન અને માર્ગદર્શન પુરું પડાયું

મોરબી : ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-સુચન-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઈન”ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગૃહ વિભાગ,રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન” શરુ કરવામાં આવી હતી.

૭ વર્ષ ની સફળ કામગીરી દરમ્યાન ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા મોરબી જિલ્લામાં કુલ ૧૬૧૭૩ કરતાં વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ-સુચન, માર્ગદર્શન અને બચાવ પુરું પાડવામાં આવ્યું છે. તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટીમ જઇને ૩૮૯૫ જેટલી મહિલાઓને મદદ પુરી પાડેલ છે. છેલ્લા એક વર્ષમાં કરવામાં આવેલ મુખ્ય કેસોમાં ઘરેલું હિંસાના ૪૮૪, લગ્ન જીવનના વિખવાદના ૨૧, આડોશી-પાડોશી સાથેના ઝઘડાના ૫૨, બાળકની કસ્ટડી માટેના ૨૪, ફોન પર કે શારીરિક પજવણીના ૮, ઘરેથી નીકળી ગયેલા-ભૂલા પડેલા-બિન વારસ માનસિક અસ્વસ્થ ના ૫૨, આત્મ હત્યાના પ્રયાસ કે વિચાર કરતા ૫, તેમજ અન્ય પ્રકારના ૧૧ થી વધુ કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરી પીડિતાઓની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવેલ છે. આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી મુંઝવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે.

- text

આમ, મોરબી જિલ્લામાં ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન દ્વારા અનેક મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે જેનાથી તેઓને નવી જીંદગી મળી હોવાનો અનુભવ થયો છે.

- text