ટીન…ટીન…ટીન… શાળાની ઘંટડી વાગતા જ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ ઉત્સાહિત

- text


મોરબી જિલ્લામાં શાળાઓ ખુલતા પ્રથમ દિવસે 70 ટકા બાળકો પ્રત્યક્ષ શિક્ષણ મેળવવા સ્કૂલે આવ્યા : કુમ કુમ તિલક કરી ફૂલડે વધાવી વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું

મોરબી : કોરોના કાળના કારણે સમગ્ર રાજ્યની સાથે સાથે મોરબી જિલ્લાની શાળોઓમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય ઘણાં લાંબા સમયથી બંધ હતું,પણ સરકારની સૂચનાથી ચાલુ વર્ષના શૈક્ષણિક સત્રનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. સત્રના ત્રણ માસ જેટલો સમય વીતી ગયા બાદ ઓનલાઇન શિક્ષણથી કંટાળેલા બાળકો આજે શાળાની ટીન…ટીન…ટીનની ઘંટડી લાંબા સમય બાદ સાંભળી ઉત્સાહિત બન્યા હતા અને શાળાએ આવવાનો અનેરો આનંદ માણ્યો હતો. જિલ્લામાં લાંબા સમય બાદ ધો.6 થી 8ની શાળા શરૂ થતા આજે પ્રથમ દિવસે 70 ટકા બાળકો વાલીઓની સહમતી સાથે શિક્ષણ મેળવ્યું હતું.

આજથી રાજ્યમાં શાળામાં ધો.6 થી 8 ના વર્ગો દરરોજ 50 % મુજબ રોટેશન પદ્ધતિથી ચાલુ કરવામાં આવતા બાળકોમાં લાંબાસમય બાદ સ્કૂલે આવવાનો અનેરો આનંદ છલકતો જોવા મળ્યો હતો. મોરબી જિલ્લામાં ધોરણ 6થી 8માં સરકારી શાળાઓમાં 32685 અને ખાનગી શાળાઓમાં 20766 મળી કુલ 53451 બાળકો નોંધાયેલા છે જે પૈકી આજે પ્રથમ દિવસે 70 ટકા બાળકો વાલીઓના સંમતિ પત્રક સાથે ઉત્સાહભેર શાળાએ આવ્યા હતા.

દરમિયાન મોરબીની મોટાભાગની શાળાઓમાં લાંબા અંતરાલ બાદ શૈક્ષણિક કાર્ય ધમધમતું થતા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં પ્રત્યક્ષ શિક્ષણ અંગે ઉત્કંઠા જોવા મળી હતી. ખાસ કરીને માધાપરવાડી શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્યની શરૂઆત કરતા પૂર્વે શાળાના તમામ શિક્ષક બહેનો અને ભાઈઓ દ્વારા દરેક વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી તાપમાન માપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરી, ફૂલડે વધાવી વિશિષ્ટ રીતે સ્વાગત કરી શાળામાં આવકાર્યા હતા.

ઉલ્લેખનીય છે કે શાળામાં ધો.6 થી 8 ના વર્ગો દરરોજ 50 % મુજબ રોટેશન પદ્ધતિથી ચાલુ કરવામાં આવેલ છે. જેમાં સરકારની એસ.ઓ.પી.ગાઈડ લાઈન મુજબ સોસિયલ ડીસ્ટીનસિંગ જાળવવું, સમૂહ પ્રાર્થના કરવાની નહિ. વિદ્યાર્થીઓએ નાસ્તા કે પાણીની બોટલની આપ લે કરવી નહીં, વારંવાર હાથ સાફ કરવા, જ્યાં ત્યાં થુકવું નહિ.માસ્ક પહેરવું વગેરે સુચનાઓનું પાલન પણ કરાવવામાં આવી રહ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text