તલાટી કમ મંત્રીની અનિયમિતતાથી ગ્રામજનો અકળાયા

- text


હળવદના દેવીપુર ગામના મહિલા તલાટીની મનમાની સામે ગ્રામજનો દ્વારા ટીડીઓને સીસીટીવી ફૂટેજના પુરાવા સાથે ફરિયાદ

હળવદ : હળવદ તાલુકાના દેવીપુર ગામે તલાટી કમ મંત્રી સમયસર ગ્રામ પંચાયતમાં હાજર ન રહેતા હોવાની અને અશોભનીય વર્તનની રાવ સાથે ગામના જાગૃત યુવાનો દ્વારા લેખીત રજુઆત તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી છે. સાથે તલાટી કમ મંત્રી હાજર ન રહેતા હોવાના પુરાવા પણ આપવામાં આવ્યા છે.

- text

હળવદ તાલુકાના દેવીપુર ગામના જાગૃત યુવાનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને કરાયેલ રજૂઆતમાં જણાવ્યું છે કે જે દિવસથી તલાટી-કમ-મંત્રીએ ગ્રામ પંચાયતનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેઓ બપોરે 1 વાગ્યા બાદ કંઈ પણ કામ હોય તો પણ ઘરે જતા રહે છે. સાથે જ તલાટી મંત્રી દ્વારા ગ્રામજનો સાથે વર્તન પણ યોગ્ય નથી. તેમજ તલાટી કમ મંત્રી તેમના કામ પ્રત્યેની પૂરતી માહિતી ના હોવાથી સતત ફરજ દરમિયાન પોતાની કામગીરી માટે તેમના પતિને ટેલિફોનિક પૂછતા હોય છે અને નાગરિકોને તેમના પતિ સાથે ફોન પર વાત કરવા ફરજ પાડે છે. તેઓની હાજરી અને ગેરહાજરી બાબતે દેવીપુર ગ્રામ પંચાયતના ફોટા તેમજ સીસીટીવી ફૂટેજ પણ હોય જેથી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.

આ અંગે દેવીપુર ગ્રામ પંચાયતના મહિલા તલાટી મંત્રી હેતલબેન પરમારનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, અમુક ગામના લોકો મારી પાસે ખોટી સહિઓ કરાવવા માંગે છે. જેથી હું ના પાડતી હોય તેથી તેનું મનદુઃખ રાખી મને બદનામ કરી રહ્યા છે. અને પરિવારમાં દુઃખદ ઘટના બની હોય હાલ છેલ્લા ૨૦ દિવસથી રજા પર હોવાનું જણાવી આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા હતા.

- text