ખેતીમાં મોટી નુકશાની, હવે દવાખાને જવાના’ય પૈસા નથી : આર્થિકભીંસથી કંટાળી ખેડૂતનો આપઘાત

- text


હળવદના અજીતગઢ ગામના ખેડૂતે હૃદયદ્રાવક વેદના સાથે ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ લખી કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો

દવા લેવાના પણ પૈસા નથી રહ્યા.. હે અલખધણી મારા છોકરાવની લાજ રાખજે કહી મોત વ્હાલું કર્યું

હળવદ : કોરોના મહામારી અને લોકડાઉને ધનપતિઓને પણ ચિંતિત કરી મુક્યાં છે ત્યારે હળવદના અજીતગઢ ગામના ખેડૂતે ખેતીમાં સતત નુક્શાનીથી આર્થિક ભીંસમાં આવી જઈ આજે કીડીના નાલા પાસેથી પસાર થતી કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ત્રણ પાનાની હૃદયદ્રાવક સ્યુસાઇડ નોટમાં ખેડૂતે હવે ખેતી કરવાના અને દવા લેવાના પૈસા પણ નથી અને ખાવાના પણ ફાંફા છે. જેવા શબ્દો લખી પોતાના સંતાનોની લાજ રાખવા ઈશ્વરને પ્રાર્થના કરી છે. હાલ પોલીસે સ્યુસાઇડ નોટ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા રમેશભાઈ પ્રભુભાઈ લોરીયા નામના 40 વર્ષીય ખેડૂત યુવાને આર્થિક ભીંસમાં આવી જઇ આજે કીડી નાલા પાસે નર્મદા કેનાલમાં ઝંપલાવી દઈ મોતને વ્હાલું કરી લીધું હતું. મૃતક રમેશભાઈએ અંતિમ પગલું ભરતા પહેલા હૃદય દ્રવી ઉઠે તેવી સ્યુસાઇડ નોટ પણ લખી હોય પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી છે.

- text

મૃતક રમેશભાઈ લોરીયાને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. સ્યુસાઇડ નોટમાં તેમને ખેતીમાં સતત આવતી નુક્શાનીથી હવે આગલી સિઝન માટે ખેતીકામ કરવાના પૈસા ન હોવાનું અને દવા માટે પણ પૈસા ન હોવાનો ઉલ્લેખ કરી ઘરમાં હવે ખાવાના પણ ફાંફા હોવાનું જણાવ્યું છે.

આ ઉપરાંત તેમને પોતે આપઘાત કરી રહ્યા છે તેની પાછળ કોઈ જવાબદાર ન હોવાનું સ્યુસાઇડ નોટમાં લખી પત્ની અને માતાપિતાને માફ કરી દેવા અને પોતે કાયર નીકળ્યા એવું જણાવી પોતાના પુત્રને ઘરના સભ્યોનું ધ્યાન રાખવા જણાવી અલખધણી મારા પુત્રની લાજ રાખજો તેવા શબ્દો પણ સ્યુસાઇડ નોટમાં લખ્યા છે.

આમ, કોરોના મહામારી અને લોકડાઉન બાદ લોકોને કેવી આર્થિક મુશ્કેલી પડી રહી છે તે બાબત જણાવી આર્થિક ભીંસથી કંટાળી રમેશભાઈ લોરીયાએ આંત્યાતિક પગલું ભરી લેતા સમગ્ર હળવદ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

- text