મોરબી મર્ડર કેસ : બાળકની મશ્કરી કરવાની ના પાડતા શખ્સ બન્ને મિત્રો ઉપર છરી લઈને તૂટી પડ્યો હતો

- text


 

આરોપી ત્રાજપર ગામનો રહેવાસી : ડીવાયએસપીએ જાહેર કરી વિગતો

મોરબી: શહેરના સામાકાંઠે આવેલી ત્રાજપર ચોકડી પાસે પેટ્રોલ પંપ નજીક બે યુવાનોને ગઇકાલે રાત્રીના સુમારે છરીના ઘા ઝીંકીને ઇજાગ્રસ્ત કરાયા હતા જે પૈકીના એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. આ હત્યાના બનાવ પાછળનું કારણ સામે આવી ગયું છે. જેમાં બન્ને યુવાનોએ શખ્સને બાળકની મશ્કરી કરવાની ના કહેતા તે ઉશ્કેરાયો હતો અને તે છરી વડે તુંટી પડ્યો હોવાનું સામે આવ્યું છે.

મોરબીના વણકરવાસમાં રહેતા 24 વર્ષીય અજીત ગોરધનભાઈ પરમાર નામના યુવાનની ગઇકાલે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં સામાકાંઠા વિસ્તારમાં તેના મિત્ર હુસેન સાથે રિક્ષામાં ગયો હતો જે દરમિયાન ત્રાજપર ચોકડી પાસે એસ્સારના પેટ્રોલ પંપ નજીક તેને કોઇની સાથે માથાકુટ થઇ હતી અને અજીત અને હુસેનને અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા હતા. આ બનાવમાં ઇજાગ્રસ્ત અજીત પરમારનું મોત નીપજયું હતું.

- text

બનાવ અંગેની વિગતો જાહેર કરતા ડીવાયએસપી રાધિકા ભારાઇએ જણાવ્યું હતું કે અજિત અને હુસેન આ બન્ને મિત્રો ત્રાજપર પાસે આવેલ કપડાની દુકાનમાં ગયા હતા. જ્યાં દુકાન બહાર એક શખ્સ નાના બાળકનો હાથ મચકોડતો હતો. આ જોઈને બન્ને યુવાનોએ શખ્સને આવી મશ્કરી કરવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા શખ્સે બન્ને યુવાન સાથે બોલાચાલી કર્યા બાદ તેના પર છરી વડે હુમલો કરી દીધો હતો. આ શખ્સની ઓળખ થઈ ચૂકી છે. તેનું નામ રમેશભાઈ મંગાભાઈ ભરવાડ છે અને તે ત્રાજપર ગામનો વતની છે.

- text