ત્રાજપર ચોકડી મર્ડર કેસમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

- text


મૃતક યુવાનનો મિત્ર ભાનમાં આવી જતા પોલીસે નિવેદનના આધારે નોંધી ફરિયાદ

મોરબી : ગતરાત્રીના મોરબી ત્રાજપર ચોકડી નજીક યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવાના બનાવમાં સારવારમાં રહેલ મૃતક યુવાનનો મિત્રન રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ભાનમાં આવી જતા તેના નિવેદનને આધારે પોલીસે અજાણ્યા હુમલાખોરો સામે ફરિયાદ નોંધી છે.

ગઈકાલે રાત્રે થયેલા હુમલા અને હત્યાના બનાવ બાદ મૃતકની સાથે રહેલા તેના મિત્ર 23 વર્ષીય હુસેન ફકરુદ્દીનભાઈ વોરા આજે સારવાર દરમ્યાન ભાનમાં આવી જતા મોરબી બી.ડીવી. પોલીસે હુમલા બાદ થયેલી સમગ્ર હત્યાકાંડનો ઘટનાક્રમ હુસેન પાસેથી મેળવ્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત યુવક હુસેનના જણાવ્યાનુંસાર પોતે તથા તેનો મિત્ર મૃતક અજીત પરમારને અજાણ્યા શખ્સો સાથે બાળકને હેરાન ન કરવા બાબતે ઠપકો આપવા જતા અજાણ્યા શખ્સોએ ઉશ્કેરાઈને પહેલા તો મારપીટ કરી હતી. ઢીંકાપાટુનો મૂંઢમાર મારતા મારતા વધુ પડતા ઉશ્કેરાયેલા એક શખ્સે મિત્ર અજિતને પેઢુંના ભાગે છરી મારી દીધી હતી. બનાવ બાદ અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા. ક્યાં બાળકને હેરાન ન કરવા બાબતે ઠપકો આપવા ગયા હતા એનો ખુલાસો ઇજાગ્રસ્ત યુવક હુસેન હાલમાં કર્યો ન હતો. હજુ સંપૂર્ણ બ્યાન આપે તેવી સ્થિતિમાં યુવક ન હોય વધુ પૂછપરછ બાદમાં કરાશે.

- text

બીજી તરફ મૃતકની લાશનું પી.એમ. કરી લાશને મોરબી સિવિલમાં રાખવામા આવી છે. જો કે, પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતા સાંજે 5:25 કલાકે લાશને કોલ્ડરૂમમાં ખસેડવામાં આવી છે. એસ.પી. તથા ડી.વાય.એસ.પી. સહિતના ઉચ્ચ અધિકારીઓએ મૃતક અજીત પરમારના પરિજનોને સમજાવવાની મથામણ કર્યા બાદ પણ પરિજનો જ્યાં સુધી આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી લાશ ન સ્વીકારવા મક્કમ છે તેવું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.

હાલ તો ફરિયાદીએ હુમલાખોરોના કરેલા વર્ણનને આધારે પોલીસે આરોપીઓને ઝડપી લેવા સમગ્ર ટીમ કામે લગાડી છે.

- text