રણમાં વેડફાતા બ્રાહ્મણી નદીના પાણીને બચાવવા ડેમ બાંધવા માંગ ઉઠાવતા માજી મંત્રી જેન્તીભાઇ કવાડીયા

- text


હળવદ તાલુકામાં બ્રાહ્મણી -1, બ્રાહ્મણી -2 બાદ બ્રાહ્મણી -3 જળાશય સાકાર થાય તો ખડૂતોને સિંચાઈનો મોટો લાભ મળશે : મુખ્યમંત્રીને રજૂઆત

હળવદ : મોરબી જિલ્લામાં નર્મદા મૈયાના આશીર્વાદથી પીવાના પાણી તથા સિંચાઈ માટે ઉજળા સંજોગો છે ત્યારે હળવદ તાલુકામાં આવેલી વિશાળ બ્રાહ્મણી નદી ઉપર હયાત બે જળાશયોમાં વિપુલ જળરાશી સંગ્રહ થઈ રહી છે આમ છતાં પણ ચોમાસા દરમિયાન હજુ પણ નદીના પાણી રણમાં વહી જતું હોય બ્રાહ્મણી નદી ઉપર ત્રીજો ડેમ નિર્માણ કરવા માજી રાજ્યમંત્રી અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

રાજ્યના માજી મંત્રી અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાએ સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, રાજયની પારદર્શક અને ખેડુતહીતમાં સતત નિર્ણય કરતી રાજય સરકાર દ્વારા સમયાંતરે નર્મદા યોજનાને વધુ અસરકારક બનાવતા હાલ હળવદ તાલુકા તથા સૌરાષ્ટ્રના તાલુકાઓમાં નર્મદા યોજનાનો બહોળો લાભ મળ્યો છે જેના થકી ખેડુતો ઉતરોતર પ્રગતિ કરી રહયા છે. નર્મદાને કારણે હળવદ તાલુકામાં બાગાયતી ખેતીનું વાવેતર તથા પીયત વિસ્તારમાં વધારો થયો છે, હળવદ તાલુકામાં હાલ બ્રાહ્મણી-૧ અને બ્રાહ્મણી -૨ ડેમ દ્વારા સિંચાઇનો લાભ મળે છે. હળવદ તાલુકામાંથી પસાર થતી બ્રામ્હણી નદી અજીતગઢ, માનગઢ થઈ રણમાં જાય છે. આ નદી ઉપર અજીતગઢ અને માનગઢ વચ્ચે નદીનું પાણી રણમાં પહોંચે તે પહેલા રોકવા માટે મોટો ડેમ બ્રામ્હણી-૩બનાવી પાણીનો સંગ્રહ કરી શકાય એમ છે.

- text

આ ડેમ બનાવવાથી નદીનું પાણી રણમાં વેડફાટ છે તે બચે અને પાણીનો સંગ્રહ થઇ શકશે જેથી આજુબાજુના ગામોને સિંચાઇનો લાભ મળશે સાથે જ બોરવેલમાં પણ પાણીના સ્તર ઊંચા આવશે તથા રણની ખારાસ નો ભાગ પણ વધશે નહીં ઉપરાંત રણકાંઠાના ગામડાંઓના ખેડૂતોને ખેતી માટે સિંચાઈ નો લાભ મળશે અને સાથે સાથે પીવાના પાણીની સમસ્યાનો કાયમી માટે ઉકેલ લાવી શકાય તેમ છે. વધુમાં જણાવ્યું હતું કે “ઘરનું પાણી ઘરમાં અને સીમનુ પાણી સીમમાં” સૂત્રને સાકાર કરવા તથા છેવાડાના માનવી સુધી સવલતો પૂરી પાડવાની દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમ સાર્થક થશે. જેથી ઉપરોક્ત વિષય ને ધ્યાને લઇ ઝડપથી આ બાબતનો આપની કક્ષાએથી સર્વે કરાવી દરિયામાં(રણમાં) જતું પાણી રોકી સંગ્રહ કરી છેવાડાના ગામોને પાણીનો પૂરતો લાભ મળે તે માટે રાજ્ય સરકારને વિનંતી કરી છે.

- text