મોરબી : હાઇવે પર કુબેર નજીક પર ભંગારના ડેલામાં આગથી 2.75 લાખનું નુકસાન

- text


ત્રણ ફાયરફાઈટરની ટીમે 3.5 કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો

મોરબી : રવિવારે રાત્રે 10 વાગ્યાના સુમારે હાઇવે પર કુબેર નજીક એક ભંગારના ડેલામાં કોઈ કારણોસર આગ લાગતા આજુબાજુના સ્થાનિકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરનો કોલ મળતા ત્રણ અગ્નિશામક દળની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી જઈ સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

ગઈકાલે રવિવારે સાંજે લાલપર રોડ પર સ્થિત વિશાલ ફર્નિચર પાસે એચપીના પેટ્રોલપંપ નજીક, એસ્ટ્રોન સીરામીકની બાજુમાં આવેલા ભંગારના ડેલામાં આગ લાગી હતી. ડેલના માલિક મોતીભાઈ ખોડાભાઈ પરમાર સાંજે 7:15 કલાકે ડેલો બંધ કરી ઘરે જતા રહ્યા બાદ આશરે 10 વાગ્યાના સુમારે ભંગારના ડેલામાં કોઈ કારણોસર અચાનક આગ લાગતા આસપાસના સ્થાનિકોએ ફાયરબ્રિગેડમાં જાણ કરવા સાથે ભંગારના ડેલાના માલિકને પણ ટેલિફોનિક જાણ કરી હતી. લાલપર ગામે રહેતા મોતીભાઈ પરમાર પોતાના ડેલામાં આગની જાણકારી મળતા જ ઘટનાસ્થળે ધસી ગયા હતા. તે દરમિયાન ફાયર બ્રિગેડની અગ્નિશામક દળની ત્રણ ટીમો પણ પહોંચી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો.

- text

ભંગારના ડેલામાં મોટેભાગે છાપા અને પૂંઠાના ખાલી કાર્ટૂનની પસ્તી, પાણીની ખાલી બોટલો, વાહનોના ટાયર ટ્યૂબ, પ્લાસ્ટિક અને રબ્બરનો જથ્થો પડ્યો હોય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. જો કે, રવિવાર હોવાથી અને આસપાસમાં માણસોની અવરજવર પણ ઓછી હોવાથી સદભાગ્યે કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ ન હતી. ડેલાના માલિક મોતીભાઈ પરમારે મોરબી અપડેટ સાથેની ટેલિફોનિક વાતચીતમાં આશરે અઢીથી પોણા ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું.

- text