બેંક હડતાલ : મોરબીમાં બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારીઓએ કર્યું વિરોધ પ્રદર્શન

- text


બેંક યુનિયનના નેતાઓએ નાગરિકોને ખાનગીકરણના ભયસ્થાનો દર્શાવ્યા

મોરબી : આજથી બે દિવસીય બેંક હડતાળને કારણે ગ્રાહકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કેમકે શનિ-રવિની રજા બાદ હવે સોમ-મંગળવારે પણ બેંકો બંધ રહેનાર હોય કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શનો અટકી ગયા છે. એ.ટી.એમ. મશીનોમાં પણ રૂપિયાની અછત ઉભી થવાની પૂરેપૂરી આશંકા વ્યક્ત થઈ રહી છે ત્યારે મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક બેંક ઓફ બરોડા ખાતે ખાનગીકરણના વિરોધમાં સુત્રાચારો કરવામાં આવ્યા હતા.

આ તકે વિવિધ બેંકોના અધિકારીઓ અને યુનિયનના નેતાઓ સહિત તમામ કર્મચારીઓએ ઉપસ્થિત રહી બેંક હડતાળ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી લોકોને ખાનગીકરણના ભયસ્થાનો વિશે અવગત કરાવ્યા હતા.

અત્રે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, આ બે દિવસીય હડતાળ અમો પગાર કપાત કરાવીને કરી રહ્યા છીએ. હડતાળ કરવાનો ઉદ્દેશ બેંકકર્મીઓના હિત કરતા ગ્રાહકોના હિતમાં વધુ છે. તેમ જણાવીને આગેવાનોએ બેંકોના ખાનગીકરણની ગ્રાહકો અને બેંક સેવા પર પડનારી વિપરીત અસરો પરત્વે લોકોનું ધ્યાન દોર્યું હતું. અબજો રૂપિયાનું આર્થિક સામ્રાજ્ય ખાનગી હાથમાં જતું રહેવાથી ગ્રાહકોનું હિત જોખમશે. બેંક સેવાઓ મોંઘી થશે. દરેક તબક્કે સેવા શુલ્ક લાગશે. લોન લેવી મોંઘી થશે. બેંકોમાં કાયમી ભરતી બંધ થશે. ઓછા વેતનથી અને ઓછા કર્મચારીઓથી બેંકો કામ ચલાવશે તો બેકારી વધશે. ખાનગી હાથમાં બેંકોનું સંચાલન જતું રહેવાથી નોન પર્ફોર્મિંગ એસન્ટ (NPA – મોટી લોન માંડવાળ)નું પ્રમાણ વધશે. ગ્રાહકોનો બેંકો પરથી ભરોસો તૂટી જશે જેવા ભયસ્થાનો વિશે ઉપસ્થિત બેંકકર્મીઓએ અને યુનિયનના હોદ્દેદારોએ લોકોને જાગૃત કર્યા હતા. મોરબી શહેરના 500 જેટલા કર્મચારીઓ અને જિલ્લાની 20 જેટલી નેશનલાઈઝ બેંકોના આશરે 700 જેટલા કર્મચારીઓએ સરકારની ખાનગીકરણની નીતિ સામે ઉગ્ર સૂત્રચારો કર્યા હતા.

- text

- text