કાલથી બે દિવસ બેન્ક હડતાળ : મોરબીમાં 100 કરોડના ક્લિયરન્સ ઠપ્પ થશે

- text


સોમ અને મંગળવારે બેન્કોની હડતાળમાં મોરબી જિલ્લાની 20થી વધુ બેંકના 700 જેટલા કર્મચારીઓ જોડાશે

મોરબી : બૅન્કોના ખાનગીકરણના વિરોધમાં આવતીકાલથી બે દિવસની બેન્ક હળતાળનું એલાન કરાયું છે ત્યારે આ હડતાળમાં મોરબી જિલ્લાની 20થી વધુ બેંકના 700 જેટલા કર્મચારીઓ જોડાનાર હોય બે દિવસમાં મોરબી જિલ્લાનું 100 કરોડથી વધુનું ક્લિયરન્સ અટકી પડશે.

સરકાર દ્વારા બૅન્કોના ખાનગીકરણના નિર્ણય સામે 15 અને 16મી માર્ચે બે દિવસની હડતાલ પાડવાના સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશના બૅન્ક કર્મચારીઓએ નિર્ણય કર્યો છે. ગુજરાતના 60,000 કર્મચારીઓ આ હડતાલમાં જોડાવાના છે. ઓલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લોયી એસોસિયેશનના સી.એચ. વેંકટાચલમનું કહેવું છે કે અત્યારે જાહેર ક્ષેત્રની બૅન્કોના હાથમાં તેમની મૂડી હોવાથી પ્રજા શાંતિથી ઊંઘી શકે છે. પરંતુ જાહેર ક્ષેત્રની બૅન્કોના ખાનગીકરણ થવાથી જનતાની એટલે કે થાપણદારોની આ જ મૂડી ખાનગી માલિકોના હાથમાં આવી જશે. ખાનગી માલિકો જનતાની આ મૂડીનો ઉપયોગ પોતાનો નફો વધારવા માટે જ કરશે અને લોકોની મરણમૂડી સાચવવા સામે પ્રશ્નાર્થ ખડો થશે.

હાલમાં સરકારી બૅન્કો સમાજ પરત્વેના દાયિત્વ સાથે કામ કરે છે. તેઓ જે અંતરિયાળ વિસ્તારમાં બૅન્કિંગની સુવિધા ન હોય ત્યાં ખોટ ખાઈને પણ લોકોને સર્વિસ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. ખાનગી બૅન્કો સર્વિસ પૂરી પાડવાની ભાવનાથી નહિ, પરંતુ પોતાનો નફો કમાવાની ભાવનાથી જ થતો હોવાથી થાપણદારોનું હિત સચવાશે નહિ. સરકારની સૂચના છતાં ખાનગી બૅન્કોએ તેમના નફાને જાળવી રાખવા માત્ર 1.25 કરોડ જનધન ખાતાઓ ખોલ્યા હતા. તેની સામે જાહેર ક્ષેત્રની બૅન્કોએ 33.05 કરોડ જનધન એકાઉન્ટ ખોલીને સરકારને સહકાર આપ્યો હતો.

- text

મોટી મોટી ખાનગી કંપનીઓ ચલાવતા માલિકોએ જ બૅન્કોના રૂા. 8 લાખ કરોડથી વધુ ડૂબાડયા છે. હવે આવા જ ખાનગી માણસોને સમગ્ર દેશના લોકોની મૂડી એટલે કે રૂા. 146 લાખ કરોડની મૂડી ધરાવતી બૅન્કોનો કારોબાર સોંપી દેવાની ફિરાકમાં સરકાર છે. આ રીતે ખાનગીકરણ કરવામાં પ્રજાના નાણાંની ઉઘાડી લૂંટ કરવાનો ખાનગી માલિકોને પરવાનો મળી જશે.

ખાનગી બૅન્કોમાં જાહેર ક્ષેત્રની બૅન્કોની તુલનાએ ત્રણથી પાંચ ગણી (રૂા.1000 સામે રૂા. 3000થી 5000) મિનિમમ ડિપોઝિટ મૂકવાની ફરજ પાડવામાં આવશે. પરિણામે 15000થી 25000ના પગાર ધરાવનારાઓની આર્થિક સંકડામણ વધી જવાની પણ સંભાવના છે. અત્યારે પણ ખાનગી બૅન્કો દ્વારા જુદી જુદી સર્વિસને નામે બેફામ લૂંટ ચલાવવામાં આવી રહી છે. સંપૂર્ણ ખાનગીકરણ કરાયા પછી તેઓ બૅન્કનીદરેક સર્વિસ માટે બેફામ ચાર્જ લેતા થઈ જશે.

બૅન્કોનું ખાનગીકરણ થઈ જશે તો ખાનગી બૅન્કો નાની નાની બચત પર ઓછું વ્યાજ આપશે. રાહતના દરે આપવામાં આવતી લોનની યોજનાઓ બંધ થઈ જશે. ખાનગી બૅન્કો દ્વારા કૃષિ ધિરાણ ઓછું અપાય છે. ખાનગીકરણ પછી ખેડૂતોને પણ પૂરતા ધિરાણ મળશે નહિ. તેથી ખેડૂતોએ જૂની પ્રથાએ કામ કરતાં શાહુકારોની ચુંગાલમાં ફસાવું પડશે.

બૅન્કોનું ખાનગીકરણ થઈ જતાં ગુજરાતમાં બૅન્કોની બ્રાન્ચની સંખ્યા પણ ખાસ્સી ઘટી જશે. અત્યારે ગુજરાતમાં જાહેર ક્ષેત્રની બૅન્કોની 5000થી વધુ શાખાઓ સક્રિય છે. સરકારી બૅન્કો દ્વારા મહિલાઓને રોજગારી વધુ મળે તે માટે ચલાવવામાં આવતી યોજનાઓ બૅન્કોના ખાનગીકરણ પછી ધીરે ધેરી ઓછી થઈ સમય જતાં કદાચ સાવ જ બંધ થઈ જશે. તેવી ચિંતા બેન્ક કર્મચારી યુનિયનના અગ્રણીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

- text