કોરોનાએ મોરબી પીજીવીસીએલની આવકમાં 1000 કરોડનું ગાબડું પાડયું

- text


ચાલુ નાણાકીય વર્ષમાં આવકમાં ઘટાડો પરંતુ નવા ઔદ્યોગિક ક્નેક્શનોમાં વધારો થતા આવકમાં પડેલા ગાબડાં પુરાવાની શક્યતા

મોરબી: સિરામિક ઉદ્યોગને કારણે વિશ્વભરમાં મોરબી જિલ્લાનું નામ ટોચના સ્થાને છે ત્યારે આ સીરામીક એકમોમાં વપરાતી વીજળીને કારણે જ મોરબી પીજીવીસીએલ સર્કલ કચેરી પણ આવક અને વીજવપરાશ એમ બન્ને ક્ષેત્રે નંબર વનનું સ્થાન ધરાવે છે,જો કે વૈશ્વિક મહામારી કોરોનાને કારણે મોરબી પીજીવીસીએલની આવકમાં ડિસેમ્બર 2020 સુધીના સમયગાળામાં અંદાજે 1000 કરોડનું ગાબડું પડયું છે.

મોરબી પીજીવીસીએલ સર્કલ કચેરીના સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર 2020 સુધીમાં ઘરેલુ (એલટી) પ્રકારના ગ્રાહકો પાસેથી 462.25 કરોડનું એસેસમેન્ટ આકારવામાં આવ્યા હતું જે પૈકી 419.80 કરોડની વસુલાત કરવામાં આવી હતી.પરંતુ વર્ષ 2019ના આંકડા જોવામાં આવે તો એપ્રિલ 2019થી માર્ચ 2020 સુધીમાં મોરબી વીજ કચેરી દ્વારા 531.52 કરોડની વસુલાત થઇ હતી જે જોતા કોરોનાને કારણે પીજીવીસીએલ મોરબી સર્કલ કચેરીને 111.72 કરોડની આવક ડિસેમ્બર માસ 2020 સુધીમાં ઘટવા પામી છે.

- text

દરમિયાન નાણાકીય વર્ષ 2019-2020માં એચટી ગ્રાહકો એટલે કે હેવી વીજભાર ધરાવતા ઉદ્યોગગૃહો પાસેથી કરવામાં આવેલી વસુલાત જોઈએ તો એપ્રિલ2019થી માર્ચ 2020 સુધીમાં 3856.65 કરોડ રૂપિયાના એસેસમેન્ટ સામે વીજતંત્ર દ્વારા રૂપિયા 3749.08 કરોડની વસુલાત કરવામાં આવી હતી.જો એપ્રિલ 2020થી ડિસેમ્બર 2020ના કોરોના મહામારીના સમયગાળાની વસુલાત જોવામાં આવે તો 2611.02 કરોડ રૂપિયાના એસેસમેન્ટ સામે 2740.81 કરોડની વસુલાત કરવામાં આવી હતી. વીજતંત્રની આ આવક ઘટવા પાછળ કોરોનાકાળ જવાબદાર હોવાનું સ્પષ્ટ બન્યું છે.

ઉલ્લેખનીય છે કે,માર્ચ 2020થી લોકડાઉન અમલી બનતા મોરબીના તમામ સિરામિક ઉદ્યોગો અને અન્ય ઔદ્યોગિક એકમો પણ ઠપ્પ થઇ જતા વીજવપરાશ ઘટીને તળિયે પહોંચી ગયો હતો અને વીજવપરાશ ઘટતા વીજતંત્રની આવકમાં પણ મસમોટા ગાબડાં પડ્યા છે,જો કે અનલોક બાદ ચાઈનાની છબી ખરડાતા વૈશ્વિક બજારમાં મોરબીની ટાઈલ્સની માંગ વધતા હાલ મોટાભાગના એકમો દિવસ રાત ધમધમતા થયા છે પરિણામ સ્વરૂપ આવનાર દિવસોમાં મોરબી પીજીવીસીએલ સર્કલની આવક પણ સરભર થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

મહત્વની બાબત એ છે કે,બપશ્ચિમ ગુજરાત વીજ કંપની હેઠળ હાલમાં ભુજ,અંજાર,જામનગર,ભાવનગર, અમરેલી,પોરબંદર,રાજકોટ,બોટાદ,સુરેન્દ્રનગર અને જૂનાગઢ સહિતના 12 સર્કલ આવે છે જે પૈકી મોરબી પીજીવીસીએલ સર્કલ વીજવપરાશ અને આવકની દ્રષ્ટિએ ટોપ ઉપર છે અને પીજીવીસીએલની કુલ આવકો 34 હિસ્સો એકલા મોરબીનો હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

નોંધનીય છે કે, મોરબી જિલ્લામાં દિવસે – દિવસે નવી-નવી સિરામિક ફેકટરીઓ આવી રહી છે,2020ના વસમાં વર્ષમાં પણ આ સિલસિલો યથાવત રહ્યો છે ચાલુ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર-20 સુધીમાં નવા 8939 એલટી(ઘરેલુ) પ્રકારના અને 49 એચટી (ઔદ્યોગિક)પ્રકારના કનેક્શનો આપવામાં આવ્યા હોવાનું મોરબી પીજીવીસીએલ સર્કલ દ્વાર સત્તાવાર રીતે જાણવાયું છે.

- text