વાંકાનેર- મોરબી નેશનલ હાઇવે ઉપર અકસ્માત નોતરતા છીંડા પુરવાને બદલે રોડ સેફટીના નાટક !

- text


વઘાસિયા ટોલનાકે સેફવે કન્સેસન્સ કંપની દ્વારા ડ્રાઇવરના હેલ્થ ચેકઅપ કરી પોલીસ સ્ટાફને સેફટી કીટ આપી : શુ આવા તાયફાથી હવે અકસ્માત ઘટશે ખરા ?

મોરબી : વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર હાઇવે ઓથોરિટી અને કહેવાતી રોડ સેફટી એજન્સીની બેદરકારીભરી નીતિને કારણે અનેક માનવ જિંદગી અકાળે મોતને ભેટી રહી છે ત્યારે રોડ સેફટીના નામે નર્યા નાટકો જ કરી લખલૂટ ખર્ચ કરવામાં આવી રહ્યો છે, આજે વાંકાનેરના વઘાસિયા ટોલનાકે આવા નાટકમાં ટ્રક ચાલકોનું આરોગ્ય ચેક કરી પોલીસને રોડ સેફટી કીટ આપી હાઇવે ઓથોરિટીએ મોટો સંતોષ માન્યો હતો અને આજની ઉજવણી બાદ હવે આ હાઇવે ઉપર અકસ્માતો ઘટી જશે તેવી ડાહી ડાહી વાતો પણ હાઇવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી હતી.

વાંકાનેર- મોરબી નેશનલ હાઇવે પર જીવલેણ અકસ્માતો સામાન્ય બન્યા છે અને આવા જીવલેણ અકસ્માત સર્જાવા પાછળ નેશનલ હાઈવે ઉપર ઠેક ઠેકાણે આવેલ હોટલો, પેટ્રોલ પંપ તેમજ સીરામીક ફેક્ટરીઓ દ્વારા ડિવાઈડરમાં તોડફોડ કરી જ્યાં ત્યાંથી વાહનો પસાર કરવા ગેરકાયદે માર્ગ બનવવાનું દુષણ મુખ્ય છે. આ સંજોગોમાં હાઇવે ઓથોરિટી અને રોડ સેફટી માટે નિયુક્ત થયેલ કંપનીને આ અકસ્માત સર્જતાં છીંડા બુરવાની જવાબદારી હોવા છતાં એ દિશામાં કામ કરવામાં આવતું નથી.

પરિણામ સ્વરૂપ છેલ્લા ઘણા સમયથી મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે લોહિયાળ બન્યો છે જેનું મુખ્ય કારણ જોવા જઈએ તો હોટલો અને પેટ્રોલ પંપ પર કરવામાં આવેલ ડિવાઇડરમાં તોડફોડ છે. મોટાભાગના અકસ્માતના કિસ્સામાં આવી જગ્યા ઉપરથી પ્રવેશતા વાહનને કારણે જ એકસીડન્ટ થયા હોવાનું જણાઈ આવે છે. જેથી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આવા ગેરકાયદેસર નેશનલ હાઈવે પર કરવામાં આવેલા છીંડાં ને તાત્કાલિક અસરથી પુરાણો કરી અને નિયમોનું પાલન કરાવવામાં આવે તો એક્સિડન્ટ માં ઘટાડો થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

- text

જો કે, આવી કામગીરી કરવાને બદલે માત્ર માર્ગ સલામતી માસની ઉજવણી સમયે જ દેખાતી હાઇવે ઓથોરિટીની સેફટી કંપની દ્વારા ફોટો શેષન કરાવી અકસ્માત નિવારવા કામગીરી કર્યાનો સંતોષ માનવામાં આવી રહ્યો છે.

આજે પણ આવા જ એક દેખાડા જનક કાર્યક્રમમાં વાંકાનેર પાસે આવેલ વઘાસિયા ટોલ પ્લાઝા નું સંચાલન સંભાળતી સેફવે કન્સેસન્સ કંપની દ્વારા ૩૨માં રાષ્ટ્રીય સડક સુરક્ષા માહ અંતર્ગત ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ અને આંખ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેફવે કન્સેસન્સ કંપનીના સીનીયર વાઇસ પ્રેસિડેન્ટ નવનીત ગોયલ, પ્રોજેક્ટ મેનેજર શોએબ ખાન, પ્લાઝા મેનેજર રંજનકુમાર રાય તેમજ ટીમે મોરબી જીલ્લા પોલીસ સ્ટાફની સલામતી માટે ૧૦૦ નંગ સેફ્ટી કીટ આપી ૧૦૦ જેટલા વાહન ચાલકો નું મેડિકલ ચેકઅપ તેમજ આંખનું નીદાન કરાવી કામગીરી કર્યાનો સંતોષ માન્યો હતો.

- text