મારે ઘરે આવવું છે, બધાને જોવા છે : અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા મોરબીના નીતિનભાઈ બદાણીના છેલ્લા શબ્દો

- text


ઉછીના લઈને હોસ્પિટલમાં દોઢ લાખ જમા કરાવ્યા. આવડી મોટી રકમ લઈને પણ સેફટીના નામે મીંડું છે. : પુત્રના આક્ષેપ

મોરબી : રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મોરબીના બાયપાસ પાસે ઇસ્કોન-એમાં રહેતા નીતિનભાઈ મણિલાલ બદાણી (ઉ.વ. 61)ની બનાવના દિવસે રાત્રે જ તેમના પુત્ર અંકિત સાથે વાત થઈ હતી. તેમનો પુત્ર અંકિત પિતા જમતા ન હોય તેમની ચિંતામાં દરરોજ સવારે 5 વાગ્યા સુધી જાગતો હોય. જેથી, નીતિનભાઈ એ ફોન ઉપર કહ્યું હતું કે આજે વહેલો સુઈ જા હું ધીમે ધીમે જમતો થઈ ગયો છું. આ શબ્દોનું વર્ણન કરતા અંકિતભાઈએ કહ્યું કે પપ્પાએ ત્યારે મને સુવડાવીને કાયમ માટે સુઈ ગયા.

- text

ઉલ્લેખનીય છે કે નીતિનભાઈ છેલ્લા 2.5 વર્ષથી મોરબીમાં રહે છે. એક વર્ષથી નિવૃત્તિ જીવન જીવી રહ્યા હતા. તેઓ અગાઉ આયુષ હોસ્પિટલમાં સર્વિસ કરતા હતા. તેમને પરિવારમાં પત્ની ઇન્દુબેન, પુત્ર અંકિત અને પુત્રવધુ વિધિબેન હતા. તેઓ ભાડાના ફ્લેટમાં રહેતા હતા અને સ્થિતિ સામાન્ય હતી. પુત્ર અંકિત ખાનગી બેંકમાં નોકરી કરે છે. તેઓને 11 દિવસ પૂર્વે કોરોના થયો હતો. બનાવની રાત્રે તેઓને પુત્ર તેમજ મિત્રો અને સાળા સાથે પણ ફોન ઉપર વાત થઈ હતી.

પુત્ર સાથે વાત થઈ ત્યારે તેઓએ જણાવ્યું હતું કે હવે ભૂખ લાગે છે. સવારે નાસ્તો લઈને આવજે, મોડું ન કરતો. મારે ઘરે આવવું છે. બધાને જોવા છે. ઘર યાદ આવે છે. અને મજાકમાં એવું પણ કીધુ કે દાઢી ખૂબ વધી ગઈ છે. બનાવ અંગે તેઓના પુત્રએ કહ્યું કે ઉછીના લઈને હોસ્પિટલમાં દોઢ લાખ જમા કરાવ્યા. આવડી મોટી રકમ લઈને પણ સેફટીના નામે મીંડું છે. કેમ હોસ્પિટલના કોઈ સ્ટાફને ઇજા ન થઈ માત્ર દર્દીઓ જ આગમાં હોમાયા છે? વધુમાં, તેઓએ કહ્યું કે હોસ્પિટલ તંત્રએ ઘટનાની છેક 3:30 વાગ્યે જાણ કરી અને અમે મેનેજમેન્ટનો સંપર્ક કરવાની ઘણા પ્રયત્ન કર્યા પણ હજુ સુધી તેમનો સંપર્ક થઈ શક્યો નથી.

- text