મોરબીમાં આ બાપાને સાયકલ પર તેલ વેંચતા તમે પણ જોયા હશે! : 90 વર્ષની ઉંમરે પણ બાપાની હિમંત છે અડીખમ

- text


જીવન એક સંઘર્ષ : 90 વર્ષેની વયે પણ સાયકલ પર શેરી-ગલીએ ફરીને તેલ વેચી સ્વાવલંબી જીવન જીવતા વૃદ્ધની કહાની : હજુ રોજ 30 થી 35 કિમિ સાયકલ ચલાવે છે

મોરબી : આજે જે બાપાની વાત કરવી છે તે બાપાને મોરબીના મોટાભાગના લોકોએ ક્યારેક તો તેંમના વિસ્તારમાં તેલ લઈ લો તેલની બૂમ પડતા અને સાયકલ પર તેલ વેંચતા જોયા જ હશે!! સામાન્ય રીતે માણસ 50 કે 60 વર્ષની ઉંમરે પહોંચી જાય એટલે અનેક આધિ વ્યાધિ ઉપાધિનો શિકાર બની જાય છે. હાલનું જીવન ધોરણ એવું થઈ ગયું છે કે માણસ 50 ઉંમરે પણ ઘરડો લાગે છે.પણ જૂની પેઢીના લોકો 80 કે 90 વર્ષની ઉંમર વટાવ્યા બાદ પણ કડેધડે હોય છે. એનું કારણ એ છે કે,એ લોકો સ્વાવલંબી હોય છે અને જૈફ વયે પણ મહેનત કરવામાં પાછા પડતા નથી.આવા જ એક મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા 90 વર્ષના ગફારભાઈ ઘાંચી છે.ગફારભાઈ ઘાંચી 90 વર્ષની ઉંમરે પણ શેરીએ ગલીએ સાયલક પર ફરી ફરીને વિવિધ જાતના જાતે જ બનાવેલા તેલનું વેચાણ કરીને આપ કમાઈ ઉપર જ જીવે છે. જોકે રોજ 30 થી 35 કિમિ સાયકલ ચલાવે ત્યારે માંડ 100 થી 300 રૂપિયાની આવક થાય છે આમ છતાં તેઓ હિંમત હારતા નથી.

- text

ગફારભાઈ ઘાંચીનું જીવન ભારે સંઘર્ષશીલ રહ્યું છે.તેઓ સમજવા શીખ્યા ત્યારથી જ આજીવિકા રળવા માટે કઠોર પરિશ્રમ કરી રહ્યા છે.આજે 90 વર્ષની ઉમેરે નિવૃત અને આરામ દાયક જીવન જીવવાને બદલે જીવનનો ગુજારો કરવા હજુ પણ કાળી મજૂરી કરી રહ્યા છે.તેઓ છેલ્લા 40 વર્ષથી સાયકલ પર શેરીઓ ગલીએ ફરીને તેલ વેચવાનો ધંધો કરે છે.જોકે કોઈ તેલની કંપની પાસેથી કે બજારમાંથી વેચાતું તેલ લઈને વેંચતા નથી.આયુર્વેદિક વનસ્પતિઓની વસ્તુઓ મેળવીને ઘરે જાતે જ તેલ બનાવે છે.તેઓ ચાર પ્રકારના તેલ બનાવે છે.જેમાં લિબડો, ટોપરું, દૂધી અને આમળાનું તેલ બનાવીને વેચે છે.દરરોજ આ ચાર પ્રકારના તેલનો મર્યાદિત જથ્થો જુદી જુદી ચાર પતરાની બરણીમાં ભરી સાયકલ પાછળ મજબૂત રીતે બાંધીને નીકળી પડે છે.શહેર અને આજુબાજુના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં સાયકલ પર શેરીએ ગલીએ ગલીએ ફરે છે.આખો દિવસ આવી રીતે સાયકલ પર ફરીને ધાટા પાડીને તેલ વેચે છે.

ગફારભાઈના પત્નીનું વર્ષો પહેલા અવસાન થયું હતું અને તેમના પુત્રો રાજકોટ રહે છે.પણ ત્યાં સંકળાશ હોવાથી તેમને ત્યાં ફાવતું ન હોવાથી વર્ષોથી જ મોરબીમાં રહીને એકલવાયું જીવન ગાળે છે.જીવનના અંતિમ પડાવમાં આર્થીક ઉપાર્જન માટે આવી કાળી મજૂરી કરવી પડતી હોવા છતાં તેમને કોઈના પ્રત્યે જરાય રંજ નથી.તેઓ જે જીવન મળ્યું છે તેમાં પોતાની રીતે મહેનત કરીને આપ કમાયથી જ ખુશ છે.આ ઉમેરે તેમને થાક લાગે છે.સાયકલ ચલાવતા ચલાવતા ઘણી વાર હાંફી જાય છે.અને આખો દિવસ 30 કે 35 કિમિ સાયકલ ચાલવા છતાં પણ 100 થી 300 રૂપિયાની કમાણી થાય છે. છતાં તેઓ હિંમત હાર્યા વિના હસતા મુખે જીવનનો રથ હાકયે જાય છે.

- text