મોરબી પાલિકાની સફાઈ ઝુંબેશ : 15 દિવસમાં 2250 ટન કચરાનો નિકાલ

- text


દિવાળી પહેલા તંત્ર શહેરને સાફ સુથરુ બનાવી શકશે કે કેમ તેના પર સૌની નજર

મોરબી : મોરબી નગરપાલિકાએ દિવાળીના તહેવારોને લઈને શહેરને ગંદકી મુક્ત કરવા માટે નવરાત્રીથી જ સફાઈ ઝુંબેશ હાથ ધરી છે અને શહેરને દિવાળી પહેલા શહેરને સાફ સુથરુ બનાવી દેવાનો દાવો કર્યો છે.નગરપાલિકા તંત્રના જણાવ્યા મુજબ હાલ દરેક વિસ્તારમાં કચરાના ગંજની સઘન રીતે સફાઈ કરવામાં આવી રહી છે અને છેલ્લા 15 દિવસમાં 2250 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.

મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા સીરામીક નગરીને ગંદકી મુક્ત કરવા માટે 20 ઓક્ટોબરથી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.જેમાં પાલિકાએ શહેરના દરેક વિસ્તારોને આવરી.લીધા હતા અને ખાસ કરીને વર્ષોથી રહેલા કચરાના ગંજ અને રોડના ઘૂળના ઢગલાની સફાઈ હાથ ધરવામાં આવી છે.આ મામલે ચીફ ઓફિસર ગિરીશ સરૈયાના કહેવા પ્રમાણે હાલ શહેરમાં તમામ વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ રહી છે અને દરેક વિસ્તારોમા કચરાના ગંજની સફાઈની ટિમો દ્વારા સઘન રીતે સફાઈ કરવામાં આવી રહી છે. સામન્ય રીતે અગાઉ શહેરમાંથી ડેઇલી રૂટિન 90 ટન જેટલો કચરો નીકળે છે.પરંતુ દિવાળીને આ ખાસ સફાઈ ઝુંબેશ દરમિયાન દરરોજનો 150 ટન કચરો નીકળે છે એટલે આ સફાઈ ઝુંબેશમાં વધારાનો 60 ટન કચરો નીકળે છે.અત્યાર સુધી એટલે 15 દિવસમાં સઘન સફાઈ કરીને 2250 ટન કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.તમામ વોર્ડમાં એક વખત સફાઈ થઈ ગઈ છે અને બીજી વખત સફાઈ હાલ ચાલુ છે.આમ 15 દિવસમાં 900 ટન કચરો વધારે નીકળ્યો છે.જોકે જાન્યુઆરી માસમાં સ્વચ્છતા સર્વેક્ષણ આવી રહ્યું છે ત્યારે સ્વચ્છતા સર્વેક્ષણમાં મોરબીનો રેન્ક વધે તે માટે પણ આ સ્વચ્છતા અભિયાન દ્વારા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે .ત્યારે સવાલ એ છે કે ખરેખર તંત્ર દિવાળી પહેલા શહેરને ગંદકી મુક્ત કરી શકશે અને મોરબીનો સ્વચ્છતા સર્વેક્ષણમાં રેન્ક વધારી શકશે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે.

- text

લાતીપ્લોટની સમસ્યાઓ માટે સ્પે પેકેજની ફાળવણી કરાશે : ચીફ ઓફિસર

શહેરની આર્થિક કરોડરરજુ ગણાતા અને પાલિકાને સૌથી વધુ ટેક્સ ભરાતા લાતીપ્લોટમાં વર્ષોથી દયનિય હાલત છે.પાલિકાના આ સફાઈ ઝુંબેશ વચ્ચે પણ લાતીપ્લોટમાં ઉભરાતી ગટરો અને કચરાના ગંજની સમસ્યા જેમની તેમ જ રહી છે.આ બાબતે ચીફ ઓફિસર સરૈયાએ જણાવ્યું હતું કે ,લાતી પ્લોટમાં એક વખત સફાઈ થઈ ગઈ છે અને હવે લાતીપ્લોટની સમસ્યાઓ માટે માટે સ્પે પેકેજની ફાળવણી કરાશે.જેમાંથી રસ્તા, ભૂગર્ભ ગટર,લાઈટ, કચરાના ગંજ સહિતની સમસ્યાઓ ઉકેલવામાં આવશે.

- text