મોરબીના બાયપાસ પુલના ગાબડા રીપેરીંગનું કામ તાત્કાલિક શરુ કરાયું

- text


પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને જીલ્લા ભાજપના પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ માર્ગ મકાન વિભાગના અધિકારીઓને રજુઆત કરી રાતોરાત કામગીરી શરૂ કરાઈ

હાલ હંગામી ધોરણે કામગીરી કરાઈ છે : ટુક સમયમાં ટ્રાફિક ડાયવર્ટ કરી પુલનું કાયમી ધોરણે રીપેરીંગ કરાશે : મોરબી કાર્યપાલક ઈજનેર

મોરબી : સૌરાષ્ટ્ર કચ્છને જોડતા મોરબી-નવલખી બાયપાસ પર મચ્છુ નદી ઉપર આવેલા પુલની હાલત જોખમી બની જતા અકસ્માતોની ભીતી સર્જાઈ હતી. આ બાબતના અહેવાલો મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થતા પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના આગેવાનોએ અંગત રસ લઇ માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જાણ કરી રાતોરાત આ પુલનું રીપેરીંગ કામ શરુ કરાવ્યું હતું.

મોરબી અપડેટમાં નવલખી બાયપાસ પર આવેલા મચ્છુ નદી ઉપરના પુલની જર્જરિત હાલતના અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. આ અહેવાલોના પગલે મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને જીલ્લા ભાજપના પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ અંગત રસ લઇ ઉપરોક્ત સ્થળની મુલાકાત લીધી હતી. પુલની વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવી માર્ગ-મકાન વિભાગના અને સ્ટેટ હાઇવેના ચીફ એન્જીનીયર એન.કે. પટેલ સાથે ચર્ચા કરી ઉપસ્થિત પરિસ્થિતિથી વાકેફ કરાવ્યા હતા અને આ અંગે તાકીદે ઘટતું કરવા રજૂઆત કરી હતી. આથી મોરબીના કાર્યપાલક ઈજનેર જોષી અને રાજકોટના કાર્યપાલક ઈજનેર સોલંકીએ તાત્કાલિક સ્થળ મુલાકાત કરી પુલનું ધનિષ્ટ ચેકિંગ કર્યું હતું.

- text

આ વિસ્તૃત ચેકિંગ દરમ્યાન પુલ ઉપર પડેલા ખાડાઓનું રીપેરીંગ કરવું જરૂરી જણાતાં રાતોરાત હંગામી ધોરણે પુલ પર પડેલા ખાડાઓનું બુરાણ કરવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. આ દરમ્યાન મોરબીના કાર્યપાલક એન્જીનીયર જોષીએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારે હંગામી ધોરણે પુલ પર પડેલા ખાડાઓનું બુરાણ કરવામાં આવ્યું છે. પુલની મજબુતાઈ બાબતે એન્જીનીયરોએ જણાવ્યું હતું કે પુલની સ્થિતિ સ્ટ્રેન્થના દ્રષ્ટિકોણથી જોખમી બિલકુલ નથી. પણ પુલ ઉપરના રસ્તામાં જ ખાડાઓ પડી ગયા છે. હાલના વરસાદી વાતાવરણમાં પુલનું કાયમી ધોરણે થઈ શકે એવું રીપેરીંગ કામ શક્ય નથી. વરસાદી વાતાવરણ દુર થયા બાદ જીલ્લા કલેકટર અને એસપી.ની પૂર્વ મંજૂરી લઇ આઠેક દિવસના કામ માટે ડાયવર્ઝન કરવું જરૂરી હોય એ કાર્ય કરવામાં આવશે. ત્યારે પુલ પર ખાડા પડી જવાની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવી શકાશે એવી ખાત્રી એન્જીનીયરોએ આપી હતી.

- text