- text
મોરબી : લોકડાઉનના કારણે કેરીની સિઝનમાં વિલંબ થયો હતો. જોકે લોકડાઉનના ત્રણ તબક્કા પછી ધીરેધીરે વિવિધ પ્રકારની કેરી મોરબીની માર્કેટમાં આવવા લાગી હતી અને વૈશાખ મહિનામાં કેરીની આવક વધી હતી. માર્કેટમાં કેરીની મબલખ આવક થઈ છે. ઠેરઠેર કેસર સહિતની કેરીનું વેચાણ થઈ રહ્યું છે. ખાસ કરીને તાલાલાની પ્રખ્યાત કેસર કેરીનું ખેડૂતો સહિતના વેપારીઓ દ્વારા વ્યાજબી ભાવે વેચાણ થઈ રહ્યું છે. આવી રીતે કેસર કેરી સહિતની વિવિધ પ્રકારની કેરીઓ દુકાનો તથા રેકડીઓ પર મળવા લાગી છે. લોકો પણ કેરીનો ભરપૂર રસસ્વાદ માણી રહ્યા છે. જોકે ભીમ અગિયારસે દરેક લોકો કેરીનો સ્વાદ માણતા હોય છે. તેથી, ભીમ અગિયાર પૂર્વે કેરીની ખરીદીનો માહોલ જામ્યો હતો અને મોટાભાગના લોકો કેરીની ખરીદી કરતા જોવા મળ્યા હતા.
- text