- text
મોરબી : મોરબીના વિપ્ર વૃંદ (મોરબી જિલ્લા કર્મકાંડ પુરોહિત એવં જ્યોતિષ મહામંડળ) દ્વારા કર્મકાંડી ભૂદેવોને મોરબી જીલ્લામાં ચાલી રહેલા લોકડાઉનમાં જરૂરી નિયમ સાથે કર્મકાંડી ભૂદેવોને શાસ્ત્રોકત વિધી-વિધાન, ઘાર્મિક ક્રિયાઓની મંજુરી આપવા અંગે કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. જેમાં 5 શાસ્ત્રીઓ સહીત 118 લોકોએ સહી કરી સહમતી દર્શાવી છે.
આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે વર્તમાનમાં સમગ્ર રાષ્ટ્ર કોરોના વાયરસની મહામારી સામે ઝઝુમી રહ્યું છે. આ મહામારીથી બચવા સરકાર દ્વારા લોકડાઉનના નિયમો પ્રસ્થાપિત કરેલ છે. આવી પરિસ્થિતિમાં મોરબી જીલ્લાના ભૂદેવો શાસ્ત્રોકત કર્મકાંડ-યજ્ઞ વિઘી વિઘાન કરીને જીવન નિર્વાહ કરનારાઓની આર્થિક પરિસ્થિતિ ઘણી વિકટ છે. ઘણાં સમયથી લોકડાઉનના કારણે મોરબી જીલ્લાના ભૂદેવો પોતાના કાર્યક્ષેત્રમાં વ્યવસાયહીન હોવાથી આર્થિક સંકટમાં છે.
- text
હવે જયારે મોરબી જીલ્લો ગ્રીન ઝોનમાં છે અને પોઝીટીવ કેસની સંખ્યા નહીવત બરાબર છે, ત્યારે આવી પરિસ્થિતીમાં યજમાન વૃતિ અને પૂજા પાઠ ઉપર નભવાવાળા કર્મકાંડી બ્રાહ્મણોનું જીવન નિર્વાહ સરળતાથી ચાલી શકે. તે માટે શાસ્ત્રોકત કર્મકાંડ-યજ્ઞ વિઘી વિઘાન કરવાની છૂટ આપવા તેમજ શ્રમ આયોગ અને કલ્યાણ વિભાગ દ્વારા જો આર્થિક નબળા વર્ગને સહાયતા આપવામાં આવે તો એમાં પણ કર્મકાંડી ભૂદેવોનો સમાવેશ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવેલ છે. સાથે દરેક યજ્ઞીય કાર્ય લોકડાઉનના નિયમ અનુસાર માસ્ક-સેનેટાઇઝર તથા 8-10 સભ્યોની ઉપસ્થિતિમાં જ કરવામાં આવશે, તેવી ખાતરી આપવામાં આવેલ છે.
- text