નારિયેળ વેંચતા યુવાનની પ્રામાણિકતા : 33 હજાર રૂપિયા ભરેલું પાકીટ મૂળ માલિકને પરત કર્યું

- text


મોરબી : મોરબીના શનાળા રોડ પર રેંકડીમાં નારિયેળ તરબૂચ વેંચતા યુવાનને કોઈનું પાકીટ મળી આવતા યુવાને મૂળ માલિકને શોધી પાકીટ પરત કરતા ઠેરઠેરથી યુવાનની પ્રામાણિકતાની ચર્ચાઓ થઈ રહી છે.

શનાળા રોડ સ્થિત માધવ માર્કેટ કોમ્પ્લેક્ષ નજીક રેંકડીમાં નારિયેળ અને તરબૂચ વેંચતા ગરીબ, પણ ઈમાનદાર યુવાન ચમનભાઈ ગંગારામભાઈને રસ્તા પરથી એક પાકીટ મળી આવ્યું હતુ. પાકીટમાં 33000 રૂપિયા જેવી રકમ જોઈ ચમનભાઈને પાકીટના મૂળ માલીકની સ્થિતિનો ક્યાસ આવી ગયો. હાલના સમયમાં આટલી રકમ કોઈ પણ વ્યક્તિ માટે ખુબ મહત્વ ધરાવતી હોય છે. યુવકે નિશ્ચય કર્યો કે મૂળ માલીકને શોધી પાકીટ પરત કરવું જ છે.

બે દિવસ સુધી પાકીટનો મૂળ માલીક ન મળતા આખરે યુવાને પાલિકા પ્રમુખને જાણ કરી. તપાસના અંતે શનાળા ગામના રહેવાસી અને સિરામિકના વ્યવસાયી એવા મહેશભાઈ બાવરવા હોવાનું ધ્યાને આવતા યુવાને મૂળ માલિકને પાકીટ સુપ્રત કરી પ્રામાણિકતા અને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

- text

નારિયેળ વેંચતા એક નાના ધંધાર્થીએ મોટા દિલના દર્શન કરાવતા આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના યોગ શિક્ષક યોગેશભાઈ હીરાણી (જલારામ સબ્જી ભંડાર-મુન્નાભાઈ) તથા મોરબી શહેર ભાજપ મંત્રી નરેન્દ્રભાઈ પોપટ, શુભ કાર્ડ કંકોત્રી દેવેનભાઈ કોટકે ચમનભાઈનું ખાસ સન્માન કર્યું હતું. આ તકે વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવ્યું હતું. ઘણી વખત બંગલામાં રહેતા અમીરો કરતા ઝુંપડામાં રહેતા શ્રમિકો દિલથી વધુ અમીર હોય છે.

- text