- text
જાહેરમાં થૂંકવા અને માસ્ક ન પહેરવા ઉપર રૂ. 200નો દંડ
મોરબી : લોકડાઉન-4 કેવુ હશે તે અંગે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંબોધન કર્યુ છે. જો કે અંતિમ જાહેરાત આવતીકાલે થવાની છે. પરંતુ આજ રોજ કરેલા સંબોધનમાં તેઓએ દુકાનો સાથે બસ સેવા શરૂ કરવાની છૂટ આપવાના સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાત્રે 8:45ના અરસામાં ગુજરાતવાસીઓ જોગ સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં લોકડાઉન-4ના સંપૂર્ણ નીતિનિયમો આવતીકાલે જાહેર થશે. સમગ્ર રાજ્યમાં રેડ, ઓરેન્જ અને ગ્રીનને બદલે હવે કન્ટેઈનમેન્ટ અને નોન કાઇન્ટેઇનમેન્ટ એમ બે ઝોન હશે. આ માટે દરેક જિલ્લાના કલેકટર, ડીડીઓ અને શહેરોના મ્યુ.કમિશનર પાસેથી યાદી મંગાવીને કન્ટેઈનમેન્ટ ઝોન નક્કી કરાશે.
નોન કન્ટેઈનમેન્ટ ઝોનમાં મંગળવારથી દુકાનો, ઉદ્યોગો, એસટી બસ અને સિટી બસોને છૂટ આપવામાં આવશે પરંતુ તે અંગે આવતીકાલે નીતિ નિયમો સાથે જાહેરાત કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં સાંજે 7થી સવારે 7 કરફ્યુ રહેશે. જાહેરમાં થૂંકવામાં અને માસ્ક ન પહેરવા ઉપર રૂ. 200નો દંડ કરવામાં આવશે.
- text
ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં વાંકાનેરમાં હાલ માત્ર એક કોરોનાનો પોઝિટિવ કેસ હોય જિલ્લામાં વાંકાનેરની અરુનોદય સોસાયટી એક જ વિસ્તાર કન્ટેઈનમેન્ટ ઝોનની યાદીમાં મુકાઈ તેવી શકયતાઓ છે. માટે મોરબીને ઘણી છૂટછાટ મળે તેવા ઉજળા સંકેતો દેખાય રહ્યા છે. જોકે આજના સંબોધનમાં વિજય રૂપાણીએ પાન માવાની દુકાનો અંગે કોઈ ઉલ્લેખ કર્યો નથી. જેથી કાલે સોમવારે સંપૂર્ણ ગાઈડલાઈન સ્પષ્ટ થયા બાદ જ મોરબી જિલ્લા કલેકટર તંત્ર દ્વારા નવું જાહેરનામું બહાર પડાય અને તેમાં શું ખુલશે અને કેમ ખુલશે તેની ઓફિસયલી વિગતો જાહેર થશે.
- text