વાંકાનેર : અમદાવાદના પત્રકાર ઉપર રાજદ્રોહનો ગુનો દાખલ કરતા પત્રકાર આલમમાં ઘેરા પત્રકાર પડ્યા હતા. આ બનાવનો પત્રકારો દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે પત્રકાર ઉપર રાજદ્રોહના કેસના વિરોધમાં પ્રેસ કલબ ઓફ વાંકાનેરના નેજા હેઠળ વાંકાનેરના પત્રકારોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. પ્રેસ કલબ ઓફ વાંકાનેરના નેજા હેઠળ વાંકાનેરના પત્રકારોએ પ્રાંત અંધિકારીને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે તાજેતરમાં અમદાવાદના એક ન્યુઝ પોર્ટલના પત્રકાર ધવલ પટેલ ઉપર રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ પત્રકારે પોતાના માધ્યમથી સતા પરિવર્તનના અહેવાલ પ્રસિદ્ધ કરતા તેમને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે. આ પ્રકારનું કૃત્ય એ પત્રકારોને બંધારણમાં મળેલા વાણી સ્વતંત્રતા ઉપર તરાપ સમાન છે. મીડિયાકર્મીઓ સરકાર સામે ભવિષ્યમાં સચોટ ન્યુઝ ન લખે તે માટે તેમને ડરાવવા ધમકાવવા માટે આ કૃત્ય થયું હોવાનું જણાવીને જવાબદારોના કૃત્યને કડક શબ્દોમાં વખોડી કાઢ્યું હતું. આથી, ભવિષ્યમાં મીડિયાકર્મીઓની વાણી સ્વતંત્રતા ઉપર રોક ન લાગે અને પત્રકાર ઉપર થયેલા ખોટા કેસ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની વાંકાનેરના તમામ પત્રકારોએ સરકાર સમક્ષ માંગ કરી છે.