નવા કડિયાણામાં શ્રમજીવીને માર મારનાર બંને જીઆરડી જવાનો વિરુદ્ધ ગુનો નોંધાયો

- text


હળવદ : હાલ લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે ૨૪ કલાક ખડેપગે રહેતા હળવદ પોલીસના જવાનોની ચારેબાજુ વાહ-વાહ થઈ રહી છે પરંતુ આની વચ્ચે ગઈકાલે નવા કડીયાણા ગામે ફરજ બજાવતા જી.આર.ડી.ના જવાનોએ એક શ્રમજીવીને અને ગામના પૂજારીને ધીમુ ધીમું ચાલીને કેમ જાય છે. તેવી સામાન્ય બાબતે પીવીસી પાઇપ વડે હુમલો કરી માથામાં પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેથી, આ બંને જીઆરડીના જવાનો વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ગુનો નોધવામા આવ્યો છે અને બન્ને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

- text

બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે બપોરના અરસામાં નવા કડિયાણા ગામે રહેતા ભીખાભાઈ મગનભાઈ બપોરના સમયે મજૂરી કરી થાક્યા પાક્યા ઘરે પરત આવી રહ્યા હતા. તે સમયે લોકડાઉનની ફરજ માટે તૈનાત કરવામાં આવેલા જી.આર.ડી.ના જવાન ગોપાલભાઈ અને સી.એચ. સોલંકી ભીખાભાઈ પાસે આવી તેઓને કહેલ કે ધીમો ધીમો ચાલીને ઘરે કેમ જાય છે તેમ કહી ભીખાભાઈને પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારવા લાગેલ હતા. આ સમયે ગામના પુજારી મુકેશગિરી વચ્ચે પડતા તેઓને પણ બંને જીઆરડીના જવાનોએ માર મારેલ હતો. આ બનાવમાં ભીખાભાઈને માથામાં અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમજ મુકેશગિરીને પણ ઈજાઓ પહોંચતા પ્રથમ ચરાડવા તેમજ વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા.

બનાવને પગલે ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગ્રામ્યજનો બહાર નિકળી ગયા હતા. જેથી ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા અને તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આ બાબતની રજૂઆત જિલ્લા પોલીસવડાને કરવામાં આવી હતી. તેમજ ગઈકાલે ભીખાભાઈ મગનભાઈએ હળવદ પોલીસ મથકમાં જીઆરડી જવાન ગોપાલભાઈ અને સી.એચ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા બંને વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text