મોરબીના અમુક સીરામીક ટ્રેડરો દ્વારા જીએસટી ચોરી યથાવત રહેતા સીજીએસટી પ્રિવેન્ટીવ ટીમે કાર્યવાહી કરી મોરબી : સીજીએસટી પ્રિવેન્ટીવ ટીમે ગતરાત્રે હાઇવે ઉપર પેટ્રોલીંગ કરીને એકીસાથે સીરામીકના પાંચ ટ્રકો ઇ-વે બિલ વગરના ઝડપી લઈને તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. જ્યારે એસજીએસટી, સીજીએસટી અને ડિજીજીઆઈ દ્વારા સમયાંતરે ઇ-વે બિલ વગરના સીરામીક ટ્રકો ઉપર ધોંસ બોલાવાતી હોવા છતાં મોરબીના અમુક ટ્રેડરો મનમાની ચલાવીને બેરોકટોક જીએસટી ચોરી યથાવત રહેતા ફરી આ કાર્યવાહી કરવામાં આવી હતી. જીએસટી કાઉન્સિલ દ્વારા સીરામીક પ્રોડક્ટ્સને લક્ઝુરિયસ પ્રોડક્ટમાં સમાવેશ કરવામાં આવી છે અને તેના પર 18 ટકા જીએસટી વસુલ કરવામાં આવે છે. જો કે જીએસટીનો અમલ શરૂ થયો ત્યારથી જ જીએસટી ચોરીનો કોઈ અવકાશ નથી તેટલી જીએસટીની ફુલપ્રુફ સિસ્ટમ છે. પણ મોરબીના અમુક સીરામક ટ્રેડરો આ ફુલપૃફ જીએસટી સિસ્ટમમાં પણ છીડા શોધીને જીએસટીની ચોરી કરવામાં માહેર બન્યા હોય તેમ અવારનવાર ઇ-વે બિલ વગરની પકડાતી સીરામીક ટ્રકોથી સાબિત થઈ રહ્યું છે. જીએસટીના અલગ અલગ વિભાગો દ્વારા સમયાંતરે સીરામીકની જીએસટી ચોરી પકડી લેતી હોવા છતાં અમુક ટ્રેડરો 'હમ નહિ સુધરેંગે'ની જેમ ઇ-વે બિલ જનરેટ કર્યા વગર જ જીએસટી ચોરી કરવાનું યથાવત રાખતા સીજીએસટી વિભાગે આ દિશામાં કાર્યવાહી ચાલુ રાખી છે. દરમિયાન રવિવારે સીજીએસટી વિભાગ દ્વારા જુદાજુદા હાઇવે ઉપર પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન ઇ-વે બિલ વગર નીકળેલા સીરામીકના પાંચ ટ્રકોને ઝડપી લેવામાં આવ્યા હતા અને આ અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.