રફાળેશ્વર નજીક મળેલી લાશનો ભેદ ઉકેલાયો : ચોર સમજી યુવકને માર મારતા મોત થયું હતું

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર અને જોધપર ગામ પાસે આવેલ જી.આઇ.ડી.સી.માં એક યુવાનની ગઇકાલે લાશ મળી હતી. આ યુવાનની હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસમાં આ મૃતક યુવકને ચોર સમજીને ઝાડ સાથે બાંધીને લાકડી તેમજ બેટ વડે સાત શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો. જેથી, આ યુવાનનુ ઘટનાસ્થળે જ મોત નિપજ્યાનું બહાર આવતા આ બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવાનને માર મારનાર કારખનેદાર સહિત સાત શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવેલ છે.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ ગઇકાલે રફાળેશ્વર અને જોધપર ગામ નજીક આવેલ જીઆઇડીસીમાં શિવમ એસ્ટેટ-૨માં આવેલા ધવલ પ્રિન્ટિંગ પેક નામના કારખાનાની દીવાલ પાસે એક ૨૫ વર્ષના અજાણ્યા યુવાનને ચોર સમજીને ઝાડ સાથે બાંધીને સાત શખ્સો દ્વારા લાકડી તેમજ બેટ વડે બેફામ માર મારવામાં આવ્યો હતો. જેના કારણે આ યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી. મૃતક યુવાનના શરીર ઉપર માર મારવામાં આવ્યો હોય તેવા નિશાન જોવા મળ્યા હોવાથી યુવકની હત્યા કરવામાં આવી હોવાની શંકા હતી. યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ હત્યાના બનાવમાં હાલ કારખાનેદાર વિનોદભાઇ મગનભાઇ સવસાણી, કેવલ વિનોદભાઇ સવસાણી, વિનોદભાઇ હરજીવનભાઇ વરમોરા, અજયકુમાર પાંડુરંગ કારંડે, રમેશસિંગ શ્રીકુંજબિહારી, કુંદન દીનબધું ભારદ્વાજ અને અખિલેશલકુમાર સંતોષકુમાર પ્રસાદ સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રફાળેશ્વર જીઆઇડીસીમાંથી વહેલી સવારે આ યુવકની લાશ મળી આવી હતી. તેમજ મૃતક યુવકની હજુ સુધી કોઈ ઓળખ પ્રાપ્ત થઇ નથી.હાલમાં આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના PSI ડાંગર ચલાવી રહ્યા છે.

- text