આજે વિકલાંગ નહીં પણ દિવ્યાંગ દિવસ ઉજવીયે..

- text


(જાગૃતિ તન્ના “જાનકી”)
ઈશ્વર તરફથી આપણને મળેલ અમૂલ્ય ભેટ એટલે આપણો શારીરિક અને માનસિક સ્વસ્થ માનવ દેહ. ઈશ્વરની આ અમૂલ્ય ભેટ માટે તેમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આપણે ખુશનસીબ છીએ કે ઈશ્વરે આપણને આ ભેટથી નવાજિત કરેલા છે, પણ જ્યારે આ ભેટથી વંચિત રહી ગયેલ કોઈ વ્યક્તિને જોઈએ ત્યારે ઈશ્વર પ્રત્યે ફરિયાદ પણ થતી હોય છે કે શા માટે ઈશ્વર અમુક વ્યકિતઓને આ ભેટથી વંચિત રાખતા હશે?

અમુક વ્યકિતઓ જન્મથી જ માનસિક કે શારીરિક રીતે અસ્વસ્થ હોય જ્યારે અમુક કોઈ ઘટનાને કારણે માનસિક શારીરિક રીતે અસ્વસ્થ થઈ જતા હોય છે. આપણે ત્યાં આવી વ્યક્તિઓને વિકલાંગ તરીકે ઓળખવામાં આવે છે, પણ ત્યારે એમ થાય કે આ વિકલાંગ કરતા દિવ્યાંગ શબ્દ વધુ ઉચિત કહી શકાય. ઈશ્વર જ્યારે કોઈ વ્યક્તિને સંપૂર્ણ રીતે શારિરીક કે માનસિક સ્વાસ્થ્ય પ્રદાન નથી કરતા ત્યારે તે વ્યક્તિમાં બીજી અનેક શક્તિઓ પ્રદાન કરતા હોય છે, પણ તેને જોઈ શકવા માટે તો દિવ્ય દ્રષ્ટિ જ જોઈએ.

આપણા સમાજમાં ઘણી એવી દિવ્યાંગ વ્યક્તિઓના ઉદાહરણ છે, જેમણે કોઈ ને કોઈ ક્ષેત્ર માં પોતાની આવડત દ્વારા સિદ્ધ પ્રાપ્ત કરી હોય. તેમનું દરેકનું જીવન આપણા દરેક માટે ઉદાહરણ રૂપ કહી શકાય, કેમ કે તેઓ એ તેમનામાં રહેલી ખામી ને અવગણીને ખૂબીને જોઈને તેને વિકસાવી હોય છે. તેઓ આપણને શીખવે છે કે, જીવનની જે વાસ્તવિકતા છે તેને ભલે બદલી ન શકાય પણ આપણો એક અલગ દ્રષ્ટિકોણ કેળવીને જીવનને સાચા અર્થમાં જીવી શકાય.

- text

આપણને ઘણી વખત જીવનની નાની સમસ્યાઓ પણ પજવતી હોય છે, આપણને બહુ ફરિયાદો હોય છે, તે સમસ્યાઓથી. થોડી વાર માટેનો પાવરકાપથી થયેલો અંધકાર પણ આપણને વિચલિત કરી જતો હોય છે, તો જેમનું સમગ્ર જીવન અંધકારથી ઘેરાયેલું હોય છે, એવા દ્રષ્ટિહીન વ્યક્તિઓને પડતી તકલીફની તો કલ્પના પણ ન કરી શકાય. મારા મત મુજબ તો દરેક દિવ્યાંગ વ્યક્તિ વંદનને પાત્ર છે. તેઓ તેમના જીવન સાથે જોડાયેલ કાયમી સમસ્યાથી વિચલીત થવાને બદલે તેમની હકારાત્મકતા અને હિંમતથી જીવનના દરેક પડાવને પાર કરતા હોય છે. તો આજે 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસે વિશ્વના દરેક દિવ્યાંગ વ્યક્તિને વંદન. આજના દિવસે સંકલ્પ કરીએ કે ક્યારેય પણ તેમને આપણાથી ઓછા ન આંકીએ. તેમના તરફની આપણી દ્રષ્ટિ દયાની નહીં પણ ગૌરવની હોવી જોઈએ. તેમની હિંમત માટે બે લાઈન સમર્પિત…????????

कुछ छीन लिया अगर जिंदगी ने तो क्या गम है?
हौंसला जो जिंदा है जिंदगी में वो भी कहाँ कम है। ????जागृति तन्ना “जानकी”

– જાગૃતિ તન્ના “જાનકી”

- text