- text
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કાર્યવાહીના વિરોધમાં જિલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખને અપાયું આવેદન : શિક્ષકોને નોટિસનો જવાબ ન આપવા સંઘની સૂચના
મોરબી : મોરબી જિલ્લાના 193 શિક્ષકોને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા નોટિસો ફટકારવામાં આવી હતી. આ ઘટના સામે પ્રાથમિક શિક્ષક સંઘે વિરોધ દર્શાવીને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કાર્યવાહીના વિરોધમાં જિલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખને આવેદન પાઠવ્યું હતું. સાથે એક પણ શિક્ષકને નોટીસનો જવાબ ન દેવાની સંઘે સૂચના પણ આપી છે.
તાજેતરમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાના 193 જેટલા શિક્ષકોને ગેરરીતિ બદલ નોટિસો ફટકારવામાં આવી હતી. આ ઘટનાને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ તમામ શિક્ષકો જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. જ્યા તેઓએ નારેબાજી કરીને જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારીની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. સાથે ડીડીઓ અને પ્રમુખને આવેદન પણ પાઠવ્યું હતું. આ વેળાએ ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા અને જિલ્લા પંચાયતના આગેવાનો દ્વારા શિક્ષકો સાથે બેઠક પણ કરવામાં આવી હતી.
સંઘ દ્વારા આવેદનમા જણાવાયું હતું કે શિક્ષકો ઉપર ઘણી બધી જવાબદારીઓનો બોજ હોય છે. પરીક્ષા દરમીયાન જ્યારે વિઝીટ લેવામાં આવી હતી. ત્યારે શિક્ષકો અન્ય ફરજના કામ સબબ બહાર ગયા હોય અથવા તો જો તે હાજર હોય તો અન્ય કોઈ કામમાં ક્ષતિઓ શોધીને ખોટી રીતે નોટિસો પાઠવવામાં આવી છે. બીએલઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ સહિતની કામગીરી શિક્ષકો સ્ટાફની ઘટ વચ્ચે પણ હેમખેમ કરે છે. તેવામાં શાળાની કોઈ બાબત ખૂટતી હોય તો તેના ઉપર વજન આપી શિક્ષકો ઉપર આ પ્રકારની કાર્યવાહી કરવી અયોગ્ય છે.
- text
વધુમાં જણાવાયું હતું કે જ્યારે શિક્ષકોની સારી કામગીરીને કારણે ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી દ્વારા પ્રતિબદ્ધતા સન્માન સમારોહમાં જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારીનું સન્માન થયું હતું. ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આ સન્માન શિક્ષકોને અર્પણ કરવામાં આવ્યું હતું. હવે આ જ શિક્ષકોની કામગીરી સામે આંગળી ચીંધવાની બેધારી નીતિ સામે શિક્ષકોમાં અસંતોષ જોવા મળ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પાઠવેલી આ નોટિસ શિક્ષકોને ખુબજ અન્યાયકર્તા છે. આ નોટીસનો જવાબ એક પણ શિક્ષક આપશે નહિ.
- text