લીલી પરિક્રમામાં આંબા ભગતની જગ્યાએ ટંકારા-મોરબી અને ધ્રોલના પાટીદાર સમાજનો સેવા કેમ્પ શરૂ

- text


ટંકારા : જય ગિરનારીના જયઘોષ સાથે ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં આજથી આંબા ભગતની જગ્યા ખાતે મોરબી-ટંકારા-ધ્રોલ પાટીદાર સમાજ દ્વારા રાઉન્ડ ધ ક્લોક 24 કલાક ભંડારો ધમધમી ઉઠ્યો છે. આ સેવા ભંડારામાં મોરબી, ટંકારા, ધ્રોલના સ્વયંસેવકો પરિક્રમા દરમ્યાન ખડે પગે સેવારત રહેશે. આ કેમ્પમાં રહેવા, જમવા, સ્નાન સહીતની સુવિધા ઉપલબદ્ધ કરાઈ છે.

ગરવા ગિરનારની ગોદમાં દેવઉઠી અગિયારસ એટલે કે દેવ દીવાળીના દિવસે નિયત સમયે યાત્રા શરૂ થતા પરિક્રમાના માર્ગ પર શ્રધ્ધાળુઓનું ધોડાપુર ઉમટી પડ્યું છે. વનવિભાગથી લઈને પોલીસ વિભાગ, મહેસુલી તંત્ર સાથે અનેક સેવા કેમ્પો પદયાત્રાળુની સેવા માટે ખડે પગે છે. ત્યારે ટંકારા, મોરબી અને ધ્રોલ પાટીદાર સમાજ દ્વારા ચાલતા આંબા ભગત જગ્યા ખાતે સેવા કેમ્પ ધમધમી ઉઠ્યો છે. જેમા હજારો લોકો અન્ન જળ અને આશરો લઇને પરિક્રમા પૂર્ણ કરશે.

- text

પાવનકારી ગિરનારની લીલી પરિક્રમાનો મહિમા અપરંપાર છે. સામાન્ય રીતે અગિયારસથી પરિક્રમા શરૂ થતી હોય છે પરંતુ અધીરા શ્રદ્ધાળુઓ દ્વારા અગિયારસ પૂર્વે જ પરિક્રમા શરૂ કરી દેવામાં આવે છે. જો કે આ વર્ષે મહા વાવાઝોડાને કારણે નિયત સમયે જ યાત્રા શરૂ થતા શ્રદ્ધાળુઓનું ધોડાપુર ઉમટી પડ્યુ છે.
પોલીસ વિભાગે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે જ્યારે વન વિભાગે પણ ત્રણ જગ્યાએ કચેરી અને જુદી જુદી રાવટી ઉભી કરી છે.

આ વર્ષે વધુ વરસાદ અને માવઠાથી કુદરતી ઝરણાં, ઝાડ, પહાડો વચ્ચે કુદરતના ખોળે અબાલ વૃદ્ધ સહુ આ અદભુત યાત્રાનો લ્હાવો લેવા ઉમટી પડ્યા છે અને અનેક સેવા કેમ્પો વચ્ચે મોરબીના કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે.

- text