મોરબીના ગાંધીચોકના ભંગાર રોડ અને ઉભરાતી ગટરથી લોકો ત્રસ્ત

- text


નગરપાલિકા કચેરી સામેના જ ગાંધીચોક વિસ્તારમાં રોડની અંત્યત ખરાબ હાલત છતાં તંત્ર કુંભકર્ણ નિદ્વામાં : તંત્ર વહેલી તકે સમસ્યાઓનું નિરાકરણ લાવે તેવી માંગ

મોરબી : શહેરમાં રોડ-રસ્તાની બિસ્માર હાલતને કારણે તેમજ ઠેર ઠેર ઉભરાતી ભૂગર્ભ ગટરોની સમસ્યાથી નાગરિકો ત્રસ્ત બન્યા છે ત્યારે ગાંધીચોક વિસ્તારમાં અત્યંત ખરાબ રોડ અને રસ્તા પર વારંવાર ઉભરાતી ગટરને કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.જોકે નગરપાલિકા કચેરી સામેના વિસ્તારમાં આ બદતર સ્થિતિ હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી ત્યારે લોકોએ ગાંધીચોક વિસ્તારની આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે.

મોરબીમાં ગાંધીચોંકથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીનો રસ્તો બિસ્માર બનતા અને ભૂગર્ભ ગટર જામ થઈ જતા સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે કરાયેલી રજુઆતમાં 2017ની સાલથી વારંવાર ઉદ્દભવતી રસ્તો ખરાબ થઈ જવાની આ સમસ્યા અંગે કરાયેલી રજૂઆતની નકલો અને પ્રિન્ટ મીડિયામાં જે તે સમયે પ્રસિદ્ધ થયેલા અહેવાલોના કટિંગ સાથે આજે ફરી એક વાર ચીફ ઓફિસરને રજુઆત કરાઈ છે. જેમાં માંગ કરાઈ છે કે જ્યારે જ્યારે કામ થયું છે ત્યારે ત્યારે કોન્ટ્રાક્ટરે જવાબદારી પૂર્વક કામ કર્યું નથી. માટે આ વખતે જ્યારે જે પણ કોન્ટ્રાકટરને આ કામ સોંપાય ત્યારે કોન્ટ્રાક્ટરના મોબાઈલ નંબર સહિત તેમનો ફોટો, આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ સ્થાનિકોને ઉપ્લબ્ધ કરાવવામાં આવે. જેથી કરીને કામમાં ક્ષતિ જણાય તો કોન્ટ્રાક્ટરનો કાન આમળી શકાય. આમ પાલિકાએ નિભાવવાની જવાબદારી નાગરિકો સ્વંય નિભાવવા મજબૂર બન્યા છે એ હદે પાલિકામાં અંધેર વહીવટ ચાલતો હશે તેવું આ માંગણી પરથી સમજી શકાય છે.

- text

આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરોમાં ધૂળ ભરાઈ જવાથી ગટરો જામ થઈ ગઈ છે. જેથી રસ્તા પર ગંદુ પાણી ફેલાઈ રહ્યું છે. રોગચાળો ફેલાવવાના ભય હેઠળ સ્થાનિકોએ આ અંગે પણ બળાપો વ્યક્ત કરી તાકીદે ગટર રીપેર કરાવવાની પણ પાલિકામાં લેખિત રજુઆત કરી છે. જોકે ગાંધીચોક વિસ્તાર મોરબીની પાલિકા કચેરી સામે આવેલો છે.છતાં નજર સામે ગાંધીચોકમાં રોડ અને ગટરની સમસ્યાઓ દેખાતી ન હોય તો અન્ય વિસ્તરની સમસ્યાની કેવી હાલત થતી હશે ? તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે.ચોમાસાથી ગાંધીચોકમાં રોડ રસ્તા મગરની પીઠ જેવા બની ગયા છે અને રસ્તા પર સતત ગટર ઉભરાઈ રહી છે.આ બદતર સ્થિતિને કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે આથી સ્થાનિક લોકોએ ગાંધીચોકની આ સમસ્યાનો ઉકેલ લાવવાની તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે.

- text