હળવદ : ભલગામડા ગામે ખેડૂતોનો પાક નુકસાનીના સર્વેમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ

- text


૩૩ ટકાથી વધુ નુકસાન થયું હોવા છતાં અધિકારીઓ માનવા તૈયાર નથી : ખેડૂતો

હળવદ: હળવદ તાલુકાના ભલગામડા ગામે આજે ખેડૂતોને ખેતીમાં થયેલા નુકસાનીનો સર્વે કરવા ટીમ આવી હતી. જેનો ગામજનોએ વિરોધ કર્યો હતો અને આ સર્વે ખોટો કરવામાં આવતો હોવાના આક્ષેપો કરી ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો.

હળવદમાં કમોસમી વરસાદને કારણે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીના પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જેથી, હાલ પાક નુકસાનીનો સર્વે કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે હળવદ ખેતીવાડીના અધિકારીઓ તાલુકાના ભલગામડા ગામે પાકમાં થયેલ નુકસાની અંગેનો સર્વે કરવા પહોંચ્યા હતા પરંતુ આ ટીમ સર્વેના કામમાં ગેરરીતિ કરતા હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યો હતો.

- text

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા પ્રમાણે સર્વે કરવા આવેલી ટીમ કપાસના પાંદડા લીલા હોય તો પણ નુકસાની ન થઇ હોવાનું દર્શાવે છે સાથે જે ખેડૂતોએ થોડો ઘણો પાક બચ્યો હતો તે પાકનું વેચાણ થયા બાદ અધિકારીઓ સર્વે કરવા આવ્યા છે. તેમજ અહીંના ખેડૂતોને મોટા પાયે ખેતીમાં નુકસાન ગયેલ છે તેમ છતાં પણ બધુ બરાબર હોવાનું દર્શાવાઈ છે.

રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ ૩૩ ટકાથી વધુ નુકસાની થઈ હોય તો તેનો સર્વે કરવામાં આવતો હોય છે. જેથી, સર્વે કરવા આવેલી ટીમ ખેડૂતોને વધુ નુકશાન થયું હોવા છતાં પણ ૩૩ ટકાથી ઓછું નુકશાનીનું સર્વેમાં દર્શાવી રહ્યા હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. જેથી, આ અંગેની લેખિતમાં અરજી ભલગામડા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારીને કરવામાં આવી છે.

- text