- text
ટંકારા : વરસાદી વાતાવરણ બાદ માથું ઉચકતા રોગચાળા સામે બાથ ભીડવા ટંકારાના 4 ગામોમાં આરોગ્ય કેન્દ્ર દ્વારા વિવિધ સુરક્ષા કામગીરી હાથ ધરાઈ હતી. આ કામગીરી અંતર્ગત આરોગ્ય વિષયક સુરક્ષાના તમામ પગલાં ભરવામાં આવ્યા હતા.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ટંકારા તાલુકામાં સાર્વત્રિક વરસાદ થયો છે. વરસાદ દરમ્યાન અને ત્યાર બાદ ફેલાતા ઋતુજન્ય રોગચાળો નાથવાના ભાગ રૂપે તાલુકાના 4 આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવી હતી.
- text
વરસાદી પાણીના તલાવડા કે ખાબોચિયામાં ભરાયેલ પાણીમાં મચ્છર ઉતપન્ન થતા હોય આવા સ્થાનોની જાણકારી મેળવી પાણીમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ નાખવામાં આવી હતી. આ માછલીઓ મચ્છરના ઇંડાને ખાઈ જતી હોવાથી મચ્છરનો ઉપદ્રવ નિયંત્રણમાં રહે છે. તાલુકાના સાવડી, નેસડા (ખાનપર), નેકનામ, લજ્જાઈ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દ્વારા મચ્છરજન્ય રોગચાળો તેમજ પાણીજન્ય રોગચાળાને ફેલાતો અટકાવકા બી.ટી.આઇ કામગીરી, ડસ્ટિંગ તેમજ પાણી ભરેલા ખાડાઓમાં બળેલા ઓઈલનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પાણીજન્ય રોગચાળો ન ફેલાય એ માટે વિશેષમાં દરેક ગામમાં ક્લોરીનની ટિકડીઓનું વિતરણ કરી રોગચાળાને અટકાવવા માટેની પ્રાથમિક માહિતીથી ગ્રામજનોને અવગત કરાવવામાં આવ્યા હતા. ટંકારા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આશિષ શાવડીયા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશ પટેલ, પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના ડૉ. ભાસ્કર વિરસોડિયા, ડૉ. રાધિકા વડાવીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર સુરેશ જાવીયા, મનસુખભાઈ મસોત અને રેનીશ કડીવારના માર્ગદર્શ હેઠળ આ તમામ કામગીરી હાથ ધરાઈ હતી.
- text