મોરબીમાં માનવતા મહેકી !! ભિક્ષાવૃત્તિ કરતી પુનીને રહેવા માટે ઘર અને ભણવા માટે સ્કૂલ મળી

- text


મોરબીના સમતા ફાઉન્ડેશને રફાળેશ્વર નજીક ખુલ્લામાં રહેતા ગરીબ પરિવારની જિંદગી મહેકાવી : પ્રેરણાદાયી કિસ્સો

મોરબી : બેટા તારે ભણવું છે ? હાથમાં ગુટખાની પડીકી…મોઢા પર નિર્દોષ હાસ્ય સાથે પુની કહે છે હા, પપ્પા મમ્મી નિશાળે મોકલે તો ભણવા જાવ..આજના હળાહળ કળયુગમાં પણ હજુ માનવતા અકબંધ હોવાના પુરાવા રૂપે અનેક ઘટનાઓ ઘટતી હોય છે, આવો જ એક કિસ્સો મોરબીના રફાળેશ્વર નજીક સામે આવ્યો છે. જેમાં મોરબીના સમતા ફાઉન્ડેશન દ્વારા ગરીબ પરિવારની ભિક્ષાવૃત્તિ કરતી બાળકી અભ્યાસ કરી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે તેવા આશયથી તેને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં હેલ્થ વર્કર અને સમતા ફાઉન્ડેશન સાથે સંકળાયેલા દિલીપભાઈ દલસાણીયાના શબ્દો અહીં રજૂ કરાયા છે. તેઓએ જણાવ્યું કે આજ થી ૨ દિવસ પહેલા રફાળેશ્વર ગ્રામ પંચાયતના યુવા સભ્ય ગૌતમભાઈ સોલંકીનો મને ફોન આવ્યો, તેઓએ કહ્યું કે સાહેબ અહીં એક પરિવાર છેલ્લા ઘણા દિવસોથી મકાન વિના ખુલ્લા માં રહે છે તેઓને મકાન નથી પરિવાર માં એક કપલ અને તેના ત્રણ સંતાનો છે. આ કપલ કોઈ કામ ધંધો કરતું નથી તથા તેઓ માનસિક તકલીફ ધરાવે છે અને તેઓ પોતાના નાના ભૂલકાઓને ભીખ માંગવા મોકલે છે” આટલું સાંભળતાજ મને તેઓની મુલાકાત લેવા નું મન થયું. બીજે દિવસે સવારે ગયો અને ગૌતમભાઈને મળ્યો અને બધું જાણ્યું. ખરેખર એજ પરિસ્થિતિમાં તે પરિવાર રહેતું હતું. પરિવારમાં પતિ, પત્ની બે છોકરા અને એક છોકરી. જેમાં થી એક છોકરાની ઉંમર ૧૦વર્ષ અને બીજાની ઉંમર ૯ વર્ષ ની હતી અને છોકરીની ઉંમર ૮ વર્ષ હતી.મુલાકાત દરમ્યાન જાણવા મળ્યું કે બન્ને છોકરાઓ હાલ તેઓના ફઈ ને ત્યાં ગયા છે. તેઓ અવાર નવાર મુંબઈ સુધી એકલા રખડવા ચાલ્યા જતા હોય છે. તેમની છોકરી ત્યાં હાજર હતી, મેં છોકરી પૂછ્યું બેટા તારું નામ શું છે, એકદમ નિર્દોષ હાસ્ય અને હાથમાં ગુટખાની પડીકી સાથે તેણી એ જવાબ આપ્યો “પુની..”. મેં તરત બીજો સવાલ કર્યો ભણવા જાઇ છે?? તેને કહ્યું ના… મેં પૂછ્યું બેટા તારે ભણવું છે?? તેણી એ કહ્યું હા જવું તો છે પણ મમ્મી પપ્પા મોકલે તો જાવ ને, મેં ગુટખા પર આંગળી ચીંધી ને પૂછ્યું ક્યાંથી આ ક્યાંથી??? તો મને જાણવા મળ્યું કે ભીખ માંગતા મળેલ રકમ માંથી તેણી એ ખરીદી કરેલ હતી.

- text

મારો ચહેરો એકદમ ઢીલો પડી ગયો, ત્યાર થી મેં નક્કી કર્યું કે કોઈ પણ સંજોગે આ છોકરીના ભવિષ્ય માટે તેને સલામત અને સુરક્ષિત જગ્યા પર ખસેડવી જ જોઈએ. મેં અમારા સમતા ફાઉન્ડેશનના બધા મિત્રો ને આ વિશે જાણ કરી બધા મિત્રો એ મદદ કરવા ઉત્સુકતા બતાવી અને આ પરિવાર ની મુલાકાત લેવાનું નક્કી કર્યું.

આ બાબતે મે સમાજ સુરક્ષા વિભાગમાં ફરજ બજાવતા રંજનબેન મકવાણા કે જેઓ આ બાબતે ખરેખર ઉત્કૃષ્ઠ કાર્ય કરે છે તેઓને જાણ કરી તુરંત જ તેઓએ મદદ કરવા તત્પરતા દાખવી મને ચિંતા મુક્ત થવા આશ્વાસન આપ્યું. અને બીજે જ દિવસે તેઓએ તેમના અધિકારી સિન્હા સાથે મુલાકાત કરવા બોલાવ્યા. આ સાથે બીજી જ સવારે અમે બધા મિત્રો ત્યાં જઈ અને છોકરીના બધા ડોક્યુમેન્ટસ કલેક્ટ કરી છોકરી અને તેના માતા પિતાને વિકાસ વિદ્યાલય ખાતે લઈ ગયા હતા. ત્યાં પહોંચ્યા ની સાથેજ રંજન બહેને બધીજ કાયદાકીય પક્રિયા પૂર્ણ કરી આપી અને છોકરીને ધોરણ ૧માં એડમિશન અપાવી દીધું તેમજ તેના રહેવાની સંપૂર્ણ જવાબદારી લઈ લીધી. જતા જતા પુની(પૂજા) ખુબજ સુંદર મુસ્કાન સાથે અમને વિદાય આપી મને અને મારા મિત્રોને થેન્ક યુ કહ્યું હતું.

મિત્રો આપણી આજુબાજુ આવા ઘણા કિસ્સાઓ હોય છે પણ આપણે નજર અંદાજ કરતા હોય છે, જો આપણે આપણી ફરજ સમજી અને આવા કિસ્સાઓમાં કોઈક નું ભવિષ્ય સુધરે એ બાબતે પ્રયત્ન કરીએ તો ઘણા લોકો ની જિંદગી સુધરી શકે એમ હોય છે. આ કિસ્સામાંથી અન્ય લોકો પણ આ પ્રકારનું સેવાકાર્ય કરવા માટે પ્રેરાઈ તેવા ઉદેશ સાથે જ આ વાત લોકો સુધી પહોંચાડવામાં આવી છે.

- text