હળવદના સાપકડા ગામે પાણીની લાઈનમાં ઝેરી પદાર્થ ભેળવી દેતા ચકચાર

- text


ભોગ બનનાર પરિવારે કલેકટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત હળવદ પોલીસ મથકે કરી રજુઆત

હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા બે દલવાડી પરિવારના ઘરે આવતી પાણીની લાઈનમાં કોઈ અજાણ્યા શખ્સોએ ઈરાદાપૂર્વક ઝેરી પદાર્થ ભેળવી દેવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સાથે જ પરિવારની સમય સુચકતાના કારણે મોટી જાનહાની ટળી હતી. જયારે આ અંગે બન્ને પરિવારો દ્વારા જઘન્ય કૃત્ય કરનાર શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથે હળવદ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ પંથકના નાના એવા સાપકડા ગામે રહેતા રણછોડભાઈ દેવજીભાઈ લકુમ અને જીવરાજભાઈ જશમતભાઈ લકુમ પોતે ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે ગઈકાલે પરિવાર સાથે વાડીએ ખેતી કામ બાબતે ગયા હતા ત્યારે સાપકડા ગામના પછવાડે આવેલ રહેણાંક મકાનમાં પંચાયત દ્વારા આપવામાં આવતા પાણીની લાઈનમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા જાણી જાઈ સફેદ કલરનો ઝેરી પદાર્થ ભેળવી દેવાયો હતો. પરિવારજનો સાંજના અરસામાં વાડીએથી પરત આવ્યા બાદ માલઢોરને પાણી પીવડાવવા માટે ઘરમાં જ આવેલ પાણીનો ટાંકાનું ઢાકણ ખોલતા જ ઝેરી પદાર્થ મિશ્રણ કરેલ સફેદ રંગનું પાણી આવતા દલવાડી પરિવાર ચોંકી ઉઠયો હતો. અને તાત્કાલીક આજુબાજુના અન્ય રહેણાક મકાનોમાં નળ વાટે આવતા પાણીની તપાસ કરાતા ઝેરી પદાર્થ સાથે મિશ્રણ કરેલું પાણી માત્ર રણછોડભાઈ અને જીવરાજભાઈના ઘરે આવ્યું હોવાનું ખુલવા પામ્યું હતું. જયારે બનાવની જાણ ગ્રામજનોને થતા લોકોના ટોળેટોળા દલવાડી પરિવારના ઘરે એકત્ર થયા હતા અને ગામમાં આવું કૃત્ય કરનાર શખ્સો સામે ગ્રામજનોએ ફિટકાર વરસાવ્યો હતો. જયારે આજે આ બાબતની ગંભીર નોંધ લઈ રણછોડભાઈ દેવજીભાઈ લકુમે આવું જઘન્ય કૃત્ય કરનાર શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથે હળવદ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા કલેકટરને લેખિતમાં રજુ કરી હળવદ પોલીસ મથકે ફરિયાદ કરાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પરિવારના જણાવ્યા મુજબ ગામના જ કોઈ અમારા હેતુ દુશ્મનો દ્વારા અમારે ઘરે આવતી પાણીના લાઈનમાં ઝેરી પદાર્થ ભેળવી અમારા પરિવારનો ઠંડા કલેજે કાંટો કાઢી નાખવાની સાજીશ હોવાનું જણાવ્યું હતું.

- text