હડમતિયામા વાવણી લાયક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં અાનંદની લહેર

- text


ટંકારા : “જાજું મથે માનવી ત્યારે વીઘો માંડ પવાય, રઘુવીર રીઝે રાજડા ત્યારે નવખંડ લીલો થાય” ઉક્તિ મુજબ ટંકારાના હડમતીયા લજાઈ પંથકમાં મેઘરાજા મન મૂકી ને વરસતા જગતનો તાત ખુશખુશાલ બન્યો છે અને વાવણીકાર્યમાં પરોવાયા છે.

ટંકારા તાલુકાના હડમતિયામાં અંતે મેઘરાજાની પધરામણી થતા ધરતીપુત્રોના તાળવે ચડી ગયેલ જીવ પાછા વળ્યા છે અતિ મોંઘા ભાવના ખાતર-બિયારણ કોરામાં વાવ્યા હોવાથી વરુણદેવની આશ રાખીને બેઠેલા ધરતીપુત્રોના મુખે કવિ મકરંદ દવેની પંકિતનું ઉચ્ચારણ જોવા મળ્યું કે. ” વેર્યા મેં બીજ અહી છુટ્ટે હાથ, હવે વાદળ જાણે ને વસુંધરા ”

- text

અંતે ધરતીપુત્રોની આશ ફળતા વર્ષારાણી રુમઝુમ પધારતા બાકી રહી ગયેલ ઘરતીપુત્રોઅે વાવણીના શ્રીગણેશ કર્યા હતા. ધરતીપુત્રોના ચહેરા પર સ્મિત જોવા મળતા સૌ કોઈ વાવણીમા જોતરાઈ ગયા છે. વર્ષારાણીના આગમનથી ગામડાની પરંપરા મુજબ ઘેર ઘેર લાપસીના અાંધણ મુકવામાં આવ્યા હતા.
તદ્ઉપરાંત વૃક્ષોના પર્ણો પર ચડી ગયેલ ધુળથી મેલા લાગતા વૃક્ષો પણ નવા વાઘા બદલીને નવપલ્લવિત થઈને વરુણદેવનો ઉપકાર માનતા હોય તેમ પવનની લહેરકીથી ચારેબાજુ ઝુકીને નમન કરવા લાગ્યા હતા સાથે પંખીઅોના કલરવ અને કોયલની કુકથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

- text